ગાંધીનગરના પેથાપુર પોલીસ સ્ટેશન ખાતે સરકારી ફરજમાં દખલ ઊભી કરવા અને હોબાળો મચાવવા બદલ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિત 7 લોકો સામે ગઈકાલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પેથાપુર પોલીસ સ્ટેશનના PI દેસાઈ પોતે આ મામલે ફરિયાદી બન્યા હતાં. આ FIRમાં જિગ્નેશ મેવાણી ઉપરાંત કોંગ્રેસના ઉમેદવાર સૂર્યસિંહ ડાભી સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. બીજી તરફ જિજ્ઞેશ મેવાણી સામે આજે વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે.
અભદ્ર ભાષાનો ઉપયોગ કરી બળજબરીથી હલ્લોબોલ કર્યો
ગાંધીનગરના પેથાપુરની એક અરજીના કામે યુનુસ પરમારના સમર્થક મુનાફ પઠાણની પૂછપરછ ચાલી રહી હતી ત્યારે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ત્યાં પહોંચીને પોલીસની કામગીરી અટકાવી હોવાના આક્ષેપ સાથે સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં સરકારી કામકાજમાં દખલગીરી અને જાહેરનામા ભંગ સહિતની ગંભીર કલમો હેઠળ વધુ એક નવી ફરિયાદ નોંધવામાં આવી છે.ફરિયાદમાં જણાવાયું છે કે, જીગ્નેશભાઈ મેવાણી, સાકીર રાઠોડ, નાસીર ઉર્ફે પીન્ટુ મેમણ તથા તેમના અન્ય અજાણ્યા આશરે સાતેક માણસોના ટોળા સાથે સેક્ટર-13 પોલીસ ચોકીમાં ધુસી જઇ ફરિયાદીની રાજ્ય સેવક તરીકેની ફરજ ચાલુ હોવાનું જાણતા હોવા છતાં કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી ફરિયાદી વિરૂધ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરી બળજબરીથી હલ્લોબોલ કર્યો હતો.
