ગાંધીનગર સ્થિત સમરસ છાત્રાલયના વિદ્યાર્થીઓની મૂળભૂત સુવિધાઓ અને આરોગ્ય સાથે ચેડાં થતા હોવાના ગંભીર આક્ષેપો સાથે વિદ્યાર્થીઓ રવિવારના દિવસે પણ સીધા સચિવાલય ખાતે વિરોધ કરવા પહોંચી ગયા હતા. રેગ્યુલર દિવસોમાં કોલેજ ચાલુ હોવાના કારણે અભ્યાસ ન બગડે તે માટે રવિવારના દિવસે વિદ્યાર્થીઓએ એકઠા થઈને પોતાની ન્યાયિક માંગણીઓ માટે અવાજ બુલંદ કર્યો છે. હોસ્ટેલ પ્રશાસનની લાપરવાહીના કારણે યુવાનોને આકરા તાપમાં રસ્તા પર ઉતરવાની ફરજ પડી છે, જેનાથી વહીવટી તંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે.
જમવાની ખરાબ ગુણવત્તા અને એક્સપાયરી ડેટવાળા ખોરાકનો ગંભીર આક્ષેપ
વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે હોસ્ટેલના રસોડામાં આપવામાં આવતું ભોજન અત્યંત નબળી ગુણવત્તાનું હોય છે. એટલું જ નહીં, અગાઉ એક-બે વખત રસોડામાંથી એક્સપાયરી ડેટવાળી ખાદ્ય સામગ્રી પણ મળી આવી હોવાનો ચોંકાવનારો દાવો વિદ્યાર્થીઓએ કર્યો છે. ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ પોતાના ઉજ્જવળ ભવિષ્યનું સપનું લઈને અહીં અભ્યાસ કરવા આવે છે, પરંતુ તેમને મળતું પૌષ્ટિક આહારને બદલે અસ્વચ્છ અને જોખમી ભોજન તેમના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી રહ્યું છે.
