ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં એક મોટી અને દુઃખદ અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં એક નિર્માણાધીન બિલ્ડિંગમાં કામકાજ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક સ્લેબ ધરાશાયી થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં સ્લેબના ભારે કાટમાળ નીચે ૧૫ જેટલા શ્રમિકો દટાઈ ગયા હતા. સ્લેબ તૂટી પડતાં જ ઘટનાસ્થળે ભારે અફરાતફરી અને ચીસાચીસ મચી ગઈ હતી, જેનાથી આસપાસના સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા.
NDRF, SDRF અને CRPF ની ટીમો તૈનાત
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ તેમજ NDRF, SDRF અને CRPF ની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. કાટમાળ નીચે દટાયેલા શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે શોધખોળ અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. હજુ પણ કાટમાળ હેઠળ અન્ય કોઈ વ્યક્તિ દટાયેલી છે કે કેમ તેની ખાતરી કરવા માટે બચાવ ટીમો દ્વારા બારીકાઈથી તપાસ અને સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે.
