ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા ગૃહમાં વંદેમાતરમ્ ગાન દરમિયાન ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા બેસી ગયા હોવાના મુદ્દે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉઠાવેલા વિશેષાધિકાર ભંગના મુદ્દે અધ્યક્ષે સમગ્ર મામલો વિધાનસભાની વિશેષાધિકાર સમિતિને સોંપવાનો નિર્ણય કર્યો છે.

અધ્યક્ષે કહ્યું- મેં વીડિયો ફૂટેજ તપાસ્યા

અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે તેમણે ઘટનાના વીડિયો ફૂટેજ તપાસ્યા છે. તેમના જણાવ્યા મુજબ ઇમરાન ખેડાવાલા શરૂઆતમાં વંદેમાતરમ્ દરમિયાન ઊભા થયા હતા, પરંતુ બાદમાં બેસી ગયા હતા. અધ્યક્ષે આ વર્તનને વંદેમાતરમ્ ગાનના વિરોધ તરીકે ગણાવ્યું છે.

‘ચૂંટાયેલા સભ્ય પાસેથી નિયમ પાલનની અપેક્ષા વધુ’

અધ્યક્ષે જણાવ્યું કે ધારાસભ્ય તરીકે ઇમરાન ખેડાવાલાએ બંધારણના શપથ લીધા છે. ચૂંટાયેલા સભ્ય પાસેથી ગૃહના નિયમોનું પાલન કરવાની અપેક્ષા સામાન્ય કરતાં વધુ હોય છે. આ ઘટનાને તેમણે ગંભીર ગણાવી હતી.

ગૃહની અવમાનનાનો મુદ્દો, વિશેષાધિકાર ભંગની કાર્યવાહી

અધ્યક્ષના જણાવ્યા મુજબ આ ઘટનામાં ગૃહની અવમાનનાનો મુદ્દો ઊભો થયો છે અને વિશેષાધિકાર ભંગની કાર્યવાહીનો આધાર બન્યો છે. પોઇન્ટ ઓફ ઓર્ડર સમયે પણ ખેડાવાલા ગૃહમાં હાજર ન હોવાનું જણાવાયું હતું. તેમનો જવાબ પણ ગૃહમાં રજૂ થયો ન હતો.

મીડિયામાં ખુલાસો, ગૃહમાં નહીં?

અધ્યક્ષે કહ્યું કે ઇમરાન ખેડાવાલાએ પોતાનો ખુલાસો ગૃહમાં રજૂ કરવાના બદલે મીડિયા સમક્ષ કર્યો હતો. ઉપરાંત અધ્યક્ષના આદેશનું પાલન પણ ન થયું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અધ્યક્ષે તેમના વર્તનને જાણી જોઈને થયેલી ભૂલ ગણાવી છે.

13 વર્ષ બાદ ફરી વિશેષાધિકાર સમિતિની એન્ટ્રી

વિધાનસભામાં આ નિર્ણયનું એક મહત્વનું પાસું એ પણ છે કે અંદાજે 13 વર્ષ બાદ વિશેષાધિકારનો મુદ્દો ફરી સમિતિ સમક્ષ પહોંચ્યો છે. છેલ્લે 2012માં વિશેષાધિકાર સમિતિને એક મુદ્દો સોંપવામાં આવ્યો હતો.

‘નિયમ નહીં પાળો તો કાર્યવાહી થશે’

અધ્યક્ષ શંકર ચૌધરીએ તમામ ધારાસભ્યોને ગૃહના નિયમોનું પાલન કરવાની સૂચના આપી છે. નિયમોનું પાલન નહીં થાય તો કાર્યવાહી કરવામાં આવશે તેવી સ્પષ્ટ ચેતવણી પણ આપવામાં આવી છે. હવે વિશેષાધિકાર સમિતિની તપાસ બાદ ઇમરાન ખેડાવાલા સામે આગળ શું પગલું લેવાય છે તેના પર નજર રહેશે. 


આ પણ વાંચો  :   LPG Cylinder Booking Rules : ગામડાના ગ્રાહકો માટે મોટા સમાચાર, હવે 45 નહીં માત્ર 25 દિવસમાં બુક થશે ગેસ સિલિન્ડર