ગાંધીનગરના ચિલોડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ધણપ ગામે એક રૂંવાડા ઊભા કરી દે તેવી ક્રૂર હત્યાની ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશ થી ભાગીને ગુજરાત આવેલા એક પ્રેમી યુગલનો કરુણ અંજામ આવ્યો છે. ધણપ ગામની એક હોટેલના રૂમમાં પ્રેમીએ જ પોતાની પ્રેમિકાના ખોળામાં માથું મૂકીને તિક્ષ્ણ હથિયારથી તેનું ગળું કાપીને ઘાતકી હત્યા કરી નાખી છે. પ્રેમિકાના મોતના ઘાટ ઉતાર્યા બાદ પ્રેમી યુવકે પણ પોતે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને અત્યારે ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
પ્રેમી યુગલ મધ્યપ્રદેશથી ભાગીને ગુજરાત આવ્યું
મળતી વિગતો મુજબ, આ પ્રેમી યુગલ મધ્યપ્રદેશથી ભાગીને ગુજરાત આવ્યું હતું. આ યુગલને શોધવા માટે એમપી પોલીસ અને યુવતીના માતા-પિતા પણ ગુજરાત આવ્યા હતા. લાંબી શોધખોળ બાદ બંને મળી આવતા, પરિવાર અને પોલીસ તેમને પરત એમપી લઈ જઈ રહ્યા હતા. આ દરમિયાન રાત્રિ રોકાણ માટે તેઓએ ગાંધીનગરના ધણપ ગામની એક હોટેલમાં આશરો લીધો હતો.













