ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ કોરોના વાયરસની ફરી એકવાર એન્ટ્રી થતાં આરોગ્ય વિભાગ સહિત સ્થાનિક તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં રહેતી એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ભારે ચકચાર મચી ગઈ છે.
મહિલા કેદારનાથની પવિત્ર યાત્રા કરીને પરત ફરી
પ્રાથમિક માહિતી અનુસાર, આ મહિલા તાજેતરમાં જ ઉત્તરાખંડ ખાતે કેદારનાથની પવિત્ર યાત્રા કરીને પરત ફરી હતી. મુસાફરી પરથી આવ્યા બાદ તેનામાં કોરોનાના લક્ષણો દેખાતા ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો છે.
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી
કોરોના સંક્રમિત આ મહિલા દર્દીને તાત્કાલિક અસરે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. હોસ્પિટલ પ્રશાસન દ્વારા તકેદારીના ભાગરૂપે સ્પેશિયલ આઇસોલેશન વોર્ડ તૈયાર કરીને ત્યાં મહિલાની સઘન સારવાર શરૂ કરી દેવામાં આવી છે. સિવિલના તબીબોના જણાવ્યા અનુસાર, હાલ ભોગ બનનાર મહિલાની તબિયત સ્થિર છે અને તેના સ્વાસ્થ્ય પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
લોકોને તાત્કાલિક ક્વોરન્ટિન કરી દેવામાં આવ્યા
બીજી તરફ, ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આ મામલે ત્વરિત પગલાં લેવામાં આવ્યા છે. કોરોના સંક્રમણ આગળ ન ફેલાય તે માટે પીડિત મહિલાના પરિવારજનો અને તેમના સંપર્કમાં આવેલા લોકોને તાત્કાલિક ક્વોરન્ટિન કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ સરગાસણ વિસ્તારમાં સેનિટાઈઝેશન અને કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી પણ હાથ ધરાઈ છે. યાત્રાધામો પરથી પરત ફરતા લોકોમાં સંક્રમણ ફેલાવવાનો આ કિસ્સો સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગે નાગરિકોને ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે.
આ પણ વાંચો---- Gujarat Latest News Live: અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ, 260 જિંદગીઓ હોમાઇ હતી