ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉત્સાહ અને તંગદિલીભર્યા વાતાવરણ વચ્ચે સાંજે 5 વાગ્યા સુધીમાં અંદાજે 54 ટકા જેટલું સંતોષકારક મતદાન નોંધાયું છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કેટલાક સ્થળોએ નાના-મોટા આક્ષેપો અને વિવાદો સામે આવ્યા હતા, જેના પગલે પોલીસ પ્રશાસન એલર્ટ મોડ પર રહ્યું હતું. દરમિયાન, પોલીસ અધિક્ષક (SP) રવિતેજાએ મીડિયા સાથે વાતચીત કરતા સ્પષ્ટ કર્યું છે કે ચૂંટણી દરમિયાન કોઈ મોટો કે ગંભીર કાયદો અને વ્યવસ્થાનો ઈશ્યુ સર્જાયો નથી.
ભાટ ગામની બબાલ અને અન્ય ફરિયાદો અંગે પોલીસ વડાની સ્પષ્ટતા
ચૂંટણીના દિવસે ભાટ ગામની સર્વોદય સ્કૂલ પાસે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે બોગસ મતદાનના મુદ્દે થયેલી ઉગ્ર બોલાચાલી અને હોબાળા વિશે વાત કરતા એસપી રવિતેજાએ જણાવ્યું હતું કે, મોટાભાગની ફરિયાદો માત્ર બૂથની અંદર બેસવાની જગ્યા કે સામાન્ય વ્યવસ્થાને લઈને હતી. આ ઉપરાંત, સેક્ટર 28 ના મતદાન મથકમાં મતદારોના નામ મતદાર યાદીમાંથી ગાયબ હોવાને કારણે પણ કેટલીક રજૂઆતો સામે આવી હતી, જેને વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક સંભાળી લેવામાં આવી હતી.
