ગુજરાતમાં સર્જાયેલા વીજ સંકટ અને ઊર્જા જરૂરિયાતોને પહોંચી વળવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઊર્જા વિભાગની અત્યંત મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક સંપન્ન થઈ હતી. અંદાજે દોઢ કલાક સુધી ચાલેલી આ બેઠકમાં રાજ્યને સમયસર કોલસો મળી રહે તેમજ જરૂરી વધારાની વીજળી પ્રાપ્ત થાય તે દિશામાં આયોજન કરવા આદેશ અપાયા હતા. ગઈકાલે દિલ્હી ખાતે કેન્દ્ર સરકાર સાથે થયેલી ચર્ચા બાદ આ સમીક્ષા કરાઈ.

મહત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં ઊર્જા વિભાગની એક અત્યંત મહત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. અંદાજે દોઢ કલાક સુધી ચાલેલી આ બેઠકમાં રાજ્યના ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ, કૌશિક વેકરીયા તેમજ મુખ્ય સચિવ સહિત ઊર્જા વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 

વીજળીની માંગ સંદર્ભે મુખ્યમંત્રી સમક્ષ સમગ્ર અહેવાલ રજૂ

આ બેઠક દરમિયાન રાજ્યમાં વીજ ઉત્પાદનની વ્યવસ્થા અને વર્તમાન પરિસ્થિતિ અંગે ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવી હતી. ઊર્જા મંત્રી તથા વિભાગીય અધિકારીઓએ રાજ્યના પાવર સ્ટેશનોની કાર્યક્ષમતા અને વીજળીની માંગ સંદર્ભે મુખ્યમંત્રી સમક્ષ સમગ્ર અહેવાલ રજૂ કર્યો હતો. દોઢ કલાક સુધી ચાલેલા આ મનોમંથનમાં ગુજરાતની જરૂરિયાત મુજબના વીજ સંચાલન અંગે વિગતવાર વિચારણા હાથ ધરાઈ હતી.

ભારત સરકાર સાથે મહત્વપૂર્ણ વાતચીત અને વિચાર-વિમર્શ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે નવી દિલ્હીની મુલાકાત દરમિયાન ભારત સરકાર સાથે મહત્વપૂર્ણ વાતચીત અને વિચાર-વિમર્શ કર્યો હતો. કેન્દ્ર સરકાર સાથેની આ ઉચ્ચસ્તરીય ચર્ચા બાદ મુખ્યમંત્રીએ ગુજરાતને જરૂરી વધારાની વીજળી કોઈપણ મુશ્કેલી વગર સમયસર મળી રહે તે માટે તંત્રને સ્પષ્ટ નિર્દેશો આપ્યા હતા.

કોલસો સમયસર અને પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય તેવા પ્રયાસો

આ ઉપરાંત રાજ્યના થર્મલ પાવર પ્લાન્ટ્સ માટે ગુજરાતને કોલસો સમયસર અને પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય તેવું સુદૃઢ આગોતરું આયોજન કરવા માટે ઊર્જા વિભાગના અધિકારીઓને ખાસ સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં વીજ પુરવઠો સતત જળવાઈ રહે અને વધારાની ઊર્જા મેળવવાની પ્રક્રિયા ઝડપી બને તે માટે કેન્દ્ર સરકાર સાથે સતત સંકલન જાળવી રાખવા મુખ્યમંત્રીએ વહીવટી તંત્રને સ્પષ્ટ આદેશ આપ્યા હતા. ઊર્જા મંત્રી અને વરિષ્ઠ અધિકારીઓએ આ નિર્દેશોના સમયબદ્ધ અમલીકરણ માટેની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. 


આ પણ વાંચો  :   Nana Patekar : તનુશ્રી દત્તાના આક્ષેપો વચ્ચે પુત્ર મલ્હારે મૌન તોડ્યું, વિવાદમાં નવો વળાંક