ગુજરાત વિધાનસભામાં ‘ગુજરાત ભાડા વિધેયક-2026’ વિના વિરોધે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ વિધેયક રજૂ કરતાં જણાવ્યું કે રાજ્યમાં અત્યાર સુધી લાગુ મુંબઈ ભાડા અને નિવાસ ગૃહદર નિયંત્રણ અધિનિયમ, 1947ની જગ્યાએ વર્તમાન જરૂરિયાતોને અનુરૂપ નવો કાયદો લાવવામાં આવ્યો છે.

હવે લિખિત ભાડા કરાર ફરજિયાત

નવા કાયદા હેઠળ રહેણાંક હોય કે વાણિજ્યિક મિલકત, કોઈપણ મિલકત લિખિત ભાડા કરાર વિના ભાડે આપી શકાશે નહીં. કરારની માહિતી રેન્ટ ઓથોરિટીને આપવાની રહેશે. આ વ્યવસ્થાથી ભાડાના વ્યવહારોમાં પારદર્શિતા વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

3 મહિનાથી વધુ સિક્યોરિટી ડિપોઝિટ નહીં

ભાડૂઆતો માટે મહત્વની જોગવાઈ મુજબ સિક્યોરિટી ડિપોઝિટની મહત્તમ મર્યાદા 3 મહિનાના ભાડા જેટલી રાખવામાં આવી છે. મિલકત ખાલી કરતી વખતે હિસાબ પૂર્ણ થયા બાદ 1 મહિનામાં ડિપોઝિટ પરત કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

રેન્ટ ઓથોરિટીથી ટ્રિબ્યુનલ સુધી 3 સ્તરની વ્યવસ્થા

ભાડાને લગતા વિવાદોના ઝડપી નિકાલ માટે રેન્ટ ઓથોરિટી, રેન્ટ કોર્ટ અને રેન્ટ ટ્રિબ્યુનલ એમ 3 સ્તરની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. આથી ભાડૂઆત અને મકાન માલિક વચ્ચેના વિવાદોનો સમયબદ્ધ નિકાલ કરવાનો પ્રયાસ થશે.

વીજળી-પાણી-ગેસ બંધ કરી શકાશે નહીં

મકાન માલિક ભાડૂઆતની વીજળી, પાણી કે ગેસ જેવી જીવનજરૂરી સેવાઓ મનમાની રીતે બંધ કરી શકશે નહીં. આવી સ્થિતિમાં રેન્ટ ઓથોરિટી સેવાઓ ફરી શરૂ કરવાનો આદેશ આપી શકશે.

ભાડું નહીં ચૂકવો તો મકાન માલિકને પણ રાહત

નવા કાયદામાં મકાન માલિકના હિતોનું પણ રક્ષણ કરવામાં આવ્યું છે. ભાડૂઆત સતત ભાડું ન ચૂકવે, મિલકતને નુકસાન પહોંચાડે અથવા માલિકની મંજૂરી વગર પેટા-ભાડે આપે તો રેન્ટ કોર્ટ મારફતે મિલકત ખાલી કરાવવાની કાર્યવાહી કરી શકાશે.

પૂર-ભૂકંપમાં ભાડૂઆતને પણ રાહત

કુદરતી આપત્તિના કારણે મિલકત રહેવા યોગ્ય ન રહે તો ભાડૂઆતને ભાડામાંથી મુક્તિ અથવા કરાર લંબાવવાની વાજબી તક આપવાની જોગવાઈ છે. સાથે જ પ્રોપર્ટી મેનેજરની ભૂમિકાને પણ કાયદાકીય માન્યતા આપવામાં આવી છે.

ડિજિટલ પ્લેટફોર્મથી દરેક કરારને યુનિક ID

રેન્ટ ઓથોરિટી 3 મહિનામાં ગુજરાતીમાં ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરશે. દરેક ભાડા કરારને યુનિક આઈડેન્ટિફિકેશન નંબર આપવામાં આવશે અને તેને વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે. આ કરાર ભાડૂઆત અને મકાન માલિક બંને માટે મહત્વનો પુરાવો બની રહેશે.

કઈ મિલકતો કાયદામાંથી મુક્ત?

સરકારી પરિસરો, કંપનીઓના કર્મચારીઓ માટેના સર્વિસ ક્વાર્ટર્સ, ધાર્મિક-સખાવતી સંસ્થાઓ, વક્ફ બોર્ડ અને પબ્લિક ટ્રસ્ટની માલિકીની મિલકતોને કાયદામાંથી મુક્તિ આપવામાં આવી છે. જોકે, બંને પક્ષોની સંમતિ હોય તો તેઓ આ કાયદા હેઠળ જોડાઈ શકશે.

મકાન માલિક અને ભાડૂઆત વચ્ચે સંતુલનનો દાવો

મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે આ કાયદો માત્ર કાનૂની દસ્તાવેજ નથી, પરંતુ રાજ્યના આર્થિક અને સામાજિક માળખા સાથે જોડાયેલો મહત્વનો કાયદો છે. વિધેયક સર્વાનુમતે પસાર થતાં હવે ગુજરાતમાં ભાડાની મિલકતોને લગતી વ્યવસ્થામાં મોટા ફેરફારનો માર્ગ ખુલ્યો છે.   

ગુજરાત ભાડા વિધેયક-૨૦૨૬ની મુખ્ય જોગવાઈઓ


લેખિત કરાર ફરજિયાત

હવેથી કોઈ પણ મિલકત (રહેણાંક કે વાણિજ્યિક) લિખિત ભાડા કરાર વિના ભાડે આપી શકાશે નહીં. આ કરારની માહિતી સંયુક્ત રીતે 'રેન્ટ ઓથોરિટી'ને આપવાની રહેશે.

ડિજિટલ પ્લેટફોર્મ અને યુનિક આઈડી

ડિજિટલ શાસન અને ટેકનોલોજીના શ્રેષ્ઠ ઉપયોગથી ભાડા સત્તાધિકારી ૩ મહિનામાં માતૃભાષા ગુજરાતીમાં ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરશે. દરેક કરારને એક વિશેષ આઈડેન્ટિફિકેશન નંબર (ID) ફાળવી વેબસાઈટ પર અપલોડ કરાશે, જે ભાડૂઆત અને માલિક બંને માટે નિર્ણાયક પુરાવો બનશે.

સિક્યોરિટી ડિપોઝિટની મર્યાદા

ભાડૂઆતોના હિતમાં એડવાન્સ સિક્યોરિટી ડિપોઝિટની રકમ વધુમાં વધુ ૩ મહિનાના ભાડા જેટલી જ રાખી શકાશે. મિલકત ખાલી કરતી વખતે તમામ હિસાબ ચુકતે કરીને ૧ મહિનામાં આ ડિપોઝિટ પરત કરવાની રહેશે.

ત્રિ-સ્તરીય (Three-Tier) ન્યાયિક વ્યવસ્થા

કોઈપણ વિવાદના સમયબદ્ધ અને ઝડપી નિવારણ માટે રાજ્યમાં રેન્ટ ઓથોરિટી (Rent Authority), રેન્ટ કોર્ટ (Rent Court) અને રેન્ટ ટ્રિબ્યુનલ (Rent Tribunal) એમ ત્રણ સ્તરની ન્યાયિક વ્યવસ્થા અસ્તિત્વમાં લાવવામાં આવશે.

મિલકત ખાલી કરાવવાના સ્પષ્ટ આધારો (કલમ ૨૧)

મકાન માલિકના હકોનું રક્ષણ કરતા કલમ ૨૧ હેઠળ મિલકત ખાલી કરાવવાના આધારો દર્શાવ્યા છે. જો ભાડૂઆત સતત ભાડું ન ચૂકવે, મિલકતને નુકસાન પહોંચાડે કે માલિકની મંજૂરી વગર પેટા-ભાડે આપે, તો માલિક ભાડા અદાલત મારફતે મિલકત ખાલી કરાવી શકશે.

કુદરતી આપત્તિમાં રાહત

પૂર ભૂકંપ કે ચક્રવાત જેવી કુદરતી આપત્તિના સમયે જો મિલકત રહેવા યોગ્ય ન રહે, તો ભાડુઆતને ભાડામાંથી મુક્તિ મળશે અથવા કરાર લંબાવવાની વાજબી તક મળશે.

પ્રોપર્ટી મેનેજરને કાનૂની માન્યતા (કલમ ૧૮):

કલમ ૧૮ મુજબ મકાન માલિક પોતાની સુવિધા માટે પ્રોપર્ટી મેનેજરની નિમણૂક કરી શકશે. પ્રોપર્ટી મેનેજરની ભૂમિકાને કાયદાકીય માળખામાં લાવી તેની ફરજો નિર્ધારિત કરવામાં આવી છે.






આ પણ વાંચો   :   LPG Cylinder Booking Rules : ગામડાના ગ્રાહકો માટે મોટા સમાચાર, હવે 45 નહીં માત્ર 25 દિવસમાં બુક થશે ગેસ સિલિન્ડર