વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સમસ્ત જીવન તેમની કાર્યશૈલી અને અનેક મહત્ત્વપૂર્ણ ઘટનાઓ દેશવાસીઓ માટે દેશ પ્રેમ, સમર્પણ અને રાષ્ટ્રપ્રથમના ભાવ માટે પ્રેરણાદાયી બની રહ્યાં છે. "મેરા દેશ પહેલે" આ જ ઊંચા આદર્શોને અને નરેન્દ્ર મોદીની રાજકીય તેમજ વ્યક્તિગત અદ્વિતીય સફરને મેગા શોના સ્વરૂપમાં જીવંત કરીને દર્શકો સમક્ષ રજૂ કરે છે. આ શોમાં વડાપ્રધાનના જીવનના એવા પાસાંઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. જે દર્શાવે છે કે તેમના દરેક નિર્ણય અને પ્રયાસ પાછળ રાષ્ટ્રહિત સર્વોપરી રહેલું છે.


ગુજરાતમાં પ્રથમવાર આયોજન અને ઓનલાઇન એન્ટ્રી

પ્રસિદ્ધ સર્જક મનોજ મુંતશિર દ્વારા નિર્મિત આ શોએ દેશના અન્ય રાજ્યોમાં પણ ભારે સફળતા અને પ્રશંસા મેળવી છે. હવે ગુજરાતમાં પ્રથમવાર ગિફ્ટ સિટીના આ આંતરરાષ્ટ્રીય પરિસરમાં આ મેગા શોનું આયોજન થતાં દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ શો નિહાળવા માટેની એન્ટ્રી સિસ્ટમ પણ અત્યંત વ્યવસ્થિત રાખવામાં આવી હતી. સુરક્ષા અને વ્યવસ્થા જાળવવાના હેતુસર આ ભવ્ય મંચનમાં પ્રવેશ માટે માત્ર ઓનલાઇન રજીસ્ટ્રેશનથી જ મંજૂરી આપવામાં આવી હતી.

મુખ્યમંત્રી સહિત અગ્રણીઓની હાજરી

ગુજરાત રાજ્યના રાજકીય અને સામાજિક અગ્રણીઓ માટે આ શો વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. "મેરા દેશ પહેલે"નું મંચન નિહાળવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેબિનેટના મંત્રીઓ અને સમાજ જીવનના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ શો માત્ર મનોરંજનનું માધ્યમ ન બની રહેતા, દેશના યુવાનો અને જનતાને રાષ્ટ્રીય કર્તવ્ય પ્રત્યે જાગૃત કરવા અને પ્રેરણા પૂરી પાડવાનું એક સશક્ત માધ્યમ બની રહ્યો છે.


  • Follow us on: