રાજ્ય સરકારના 'નિપુણ ગુજરાત અભિયાન' અંતર્ગત જીસીઇઆરટી (GCERT) દ્વારા શાળા સ્તરે બેઝલાઇન સર્વે યોજવા માટેની સત્તાવાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ મૂલ્યાંકન રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાલવાટિકાથી લઈને ધોરણ 5 સુધીના બાળકો માટે યોજવામાં આવશે. સર્વેનો મુખ્ય હેતુ પ્રારંભિક તબક્કે બાળકોની પાયાની ભાષાકીય અને ગણન ક્ષમતા ચકાસવાનો છે.
4 અને 5 ઓગસ્ટે ગુજરાતી તેમજ ગણિત વિષયની કસોટી
જાહેર કરાયેલ માર્ગદર્શિકા મુજબ, આવતી 4 ઓગસ્ટના રોજ પ્રથમ દિવસે ગુજરાતી વિષયના વાંચન અને લેખન કૌશલ્યનો બેઝલાઇન સર્વે હાથ ધરાશે. જ્યારે બીજા દિવસે એટલે કે 5 ઓગસ્ટના રોજ ગણિત વિષય માટેનો બેઝલાઇન સર્વે યોજાશે. આ સર્વે પૂર્ણ થયાના એક સપ્તાહની અંદર જ ગુણવત્તા ચકાસણી માટેનું બાહ્ય મૂલ્યાંકન (એક્સટર્નલ ઈવેલ્યુએશન) પણ હાથ ધરવામાં આવશે.
