સાવલી તાલુકામાં પડેલા ભારે વરસાદના કારણે મિની નદી બે કાંઠે વહેતી થઈ છે. વરસાદી પાણીના ભારે પ્રવાહને કારણે નમીસરા અને ટુંડાવ ગામને જોડતો મિની નદીનો પુલ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પુલ પરથી પાણી વહી રહ્યા હોવાના કારણે સુરક્ષાના ભાગરૂપે આ માર્ગ પરથી થતી વાહનો અને રાહદારીઓની અવરજવર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે.

સ્થાનિકો મુશ્કેલીમાં, સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ

બે ગામોને જોડતો મુખ્ય રસ્તો જ બંધ થઈ જતાં સ્થાનિક રહીશો અને નોકરીયાતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. મિની નદીના રૌદ્ર સ્વરૂપ અને પુલ પરથી ધસમસતા પાણીના વહેણનો વિડીયો પણ સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. માર્ગ બંધ થવાથી લોકોને લાંબો ફેરો કરવાનો વારો આવ્યો છે.

તંત્રની નાગરિકોને સાવચેતી રાખવા અને પુલ પર ન જવા અપીલ

ઘટનાને પગલે સ્થાનિક વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષાને ધ્યાનમં રાખીને કડક સૂચનાઓ આપવામાં આવી છે. પાણીનો પ્રવાહ સંપૂર્ણપણે ઘટે નહીં ત્યાં સુધી કોઈએ પણ જોખમ ખેડીને પુલ પરથી પસાર થવું નહીં તેમજ નદી કિનારે જવાનું ટાળવું તેવી તંત્ર દ્વારા કડક અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Monsoon 2026 : સુરેન્દ્રનગર ચોટીલાનો ત્રિવેણી ઠાંગા ડેમ ઓવરફ્લો, સતત ભારે વરસાદથી ડેમ 100 ટકા ભરાયો