કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય હેઠળના રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનર કાર્યાલય દ્વારા દેશની આસન્ન વસ્તીગણતરીના બીજા તબક્કા માટે સત્તાવાર ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ વસ્તીગણતરી ભારતની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ વસ્તીગણતરી બની રહેશે, જેમાં ગણતરીકારો દ્વારા આધુનિક ટેકનોલોજી અને મોબાઈલ એપ્લિકેશનના ઉપયોગથી માહિતી એકત્ર કરવામાં આવશે. ગેઝેટ પ્રસિદ્ધ થતાની સાથે જ વસ્તીગણતરીના આ મહત્વપૂર્ણ તબક્કા માટેનું વહીવટી માળખું સક્રિય થઈ ગયું છે.

કુટુંબ સૂચિ મારફતે 40 મહત્વપૂર્ણ સવાલો

બીજા તબક્કા દરમિયાન કુટુંબ સૂચિ (Household Schedule) મારફતે દરેક પરિવાર પાસેથી 40 મહત્વપૂર્ણ સવાલોના આધારે વિગતો એકત્રિત કરવામાં આવશે. આ પ્રશ્નોમાં પરિવારના વડાનું નામ, સભ્યોની સંખ્યા, શિક્ષણનું સ્તર, સાક્ષરતા, વ્યવસાય અને આવકના સાધનો જેવી પ્રાથમિક માહિતીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રહેઠાણની સ્થિતિ, પીવાના પાણીની સુવિધા, વીજળી, શૌચાલય તેમજ ઘરવપરાશના સાધનો જેવી સામાજિક અને આર્થિક પરિસ્થિતિને સ્પર્શતી વિગતો પણ આવરી લેવામાં આવશે.

વસ્તીગણતરીનું મહત્વ અને આયોજન

આ વસ્તીગણતરી દ્વારા એકત્ર કરવામાં આવેલો ડેટા દેશના ભવિષ્યના વિકાસ, સરકારી યોજનાઓના ઘડતર અને યોગ્ય નીતિ-નિર્ધારણ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. સરકાર દ્વારા આયોજિત આ વ્યાપક પ્રક્રિયા માટે યોગ્ય તાલીમબદ્ધ સ્ટાફ તૈનાત કરવામાં આવશે. સમયબદ્ધ રીતે પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે ચોક્કસ તારીખો અને તબક્કાવાર આયોજન સાથે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેથી દેશના તમામ નાગરિકોની સચોટ માહિતી એકત્ર કરી શકાય.

આ પણ વાંચો : Gir Somnath News : દેશભક્તિના નારાથી ગુંજ્યું વેરાવળ, મુસ્લિમ સમાજે 150 ફૂટ લાંબા તિરંગા સાથે યોજી યાત્રા