ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ દેશભક્તિનો અદભુત અને પ્રેરણાદાયક નજારો જોવા મળ્યો હતો. સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાનું મુખ્ય આકર્ષણ 150 ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ હતો, જેને પોતાના હાથમાં ગર્વથી પકડીને સેંકડો લોકોએ દેશપ્રેમનો અનોખો સંદેશ આપ્યો હતો. આ યાત્રામાં 500થી વધુ બાઇક સાથે યુવાનો ઉત્સાહભેર જોડાયા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ 'ભારત માતા કી જય' અને દેશભક્તિના નારાઓથી ગૂંજી ઉઠ્યું હતું.

ટાવર ચોક ખાતે બાબાસાહેબ આંબેડકરને વિશેષ પુષ્પાંજલિ

આ ભવ્ય અને શિસ્તબદ્ધ રેલીનું નેતૃત્વ સ્થાનિક આગેવાન અફઝલ પંજા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમની આગેવાનીમાં મુસ્લિમ સમાજના વિવિધ પેટા વિભાગોના પ્રતિનિધિઓ, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુવાનો આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી થયા હતા. રેલી ફરતી ફરતી જ્યારે વેરાવળના ઐતિહાસિક ટાવર ચોક ખાતે પહોંચી, ત્યારે યાત્રામાં જોડાયેલા આગેવાનો અને યુવાનો દ્વારા ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ભાવભીની પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

કોમી એકતા, ભાઈચારા અને રાષ્ટ્રપ્રેમનો અનોખો સંદેશ

વેરાવળના માર્ગો પરથી પસાર થયેલી આ તિરંગા યાત્રા માત્ર એક ઉજવણી ન રહેતાં, સામાજિક સમરસતા અને એકતાનું ઉત્તમ ઉદાહરણ બની રહી હતી. મુસ્લિમ સમાજ દ્વારા આયોજિત આ ભવ્ય રેલીએ સમાજમાં કોમી ભાઈચારો અને અતૂટ રાષ્ટ્રપ્રેમનો મજબૂત સંદેશ વહેતો કર્યો છે. દેશની આઝાદીના પર્વને દરેક ધર્મ અને સમાજના લોકો કઈ રીતે એકસાથે મળીને હર્ષોલ્લાસથી ઉજવી શકે છે, તેનું આ એક જીવંત દ્રશ્ય હતું જેણે સૌ નગરજનોના દિલ જીતી લીધા હતા.

આ પણ વાંચો : Surat News : 125 કરોડની ડિજિટલ છેતરપિંડીના રેકેટનો પર્દાફાશ, 4 સાગરીતો ઝડપાયા