ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવે છત્રાલ GIDCમાં નકલી ઘી ઝડપાયેલા કિસ્સામાં મોટું નિવેદન આપતા સ્પષ્ટ કર્યું છે કે સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓ સામે પોલીસ કાયદાનો કડક સકંજો કસશે. આ ગંભીર પ્રકરણમાં માત્ર પકડાયેલા જથ્થા પૂરતી કાર્યવાહી સીમિત રાખવાને બદલે આરોપીઓ સામે છેતરપિંડી (ઠગાઈ) નો ગુનો દાખલ કરવાની પણ સઘન કવાયત હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા આ સમગ્ર કૌભાંડની સપ્લાય ચેઇન શોધીને તમામ સંડોવાયેલા શખ્સો સામે ક્રિમિનલ ઓફેન્સ નોંધવામાં આવશે.

કેમિકલના સ્રોતની તપાસ 

આ નકલી ઘી બનાવવા માટે વપરાતા હાનિકારક કેમિકલ અને પદાર્થો ક્યાંથી અને કોની પાસેથી લાવવામાં આવ્યા હતા, તે હાલ પોલીસ તપાસનો મુખ્ય અને મહત્ત્વનો વિષય બન્યો છે. અસલી ઘીના નામે બજારમાં સપ્લાય થઈ ચૂકેલો અથવા ગ્રાહકો સુધી પહોંચેલો શંકાસ્પદ જથ્થો સુરક્ષિત રીતે પરત મેળવવો એ હાલ તંત્ર માટે સૌથી મોટો ટાસ્ક છે. આ સંદર્ભમાં જવાબદાર અધિકારીઓ દ્વારા નાગરિકો અને વેપારીઓને અપીલ કરવામાં આવી છે કે જો તેમની પાસે આ નકલી ઘીના જથ્થા અંગે કોઈ પણ પ્રકારની જાણકારી હોય, તો ત્વરિત પોલીસને જાણ કરે.

FSL રિપોર્ટના આધારે મજબૂત પુરાવા સાથે ચાર્જશીટ રજૂ થશે

આ કેસને કાનૂની રાહે અત્યંત મજબૂત બનાવવામાં આવી રહ્યો છે જેથી આરોપીઓ કાયદાની છટકબારીનો લાભ લઈને છૂટી ન શકે. હાલ લેબોરેટરીમાં મોકલાવેલા સેમ્પલનો FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) રિપોર્ટ આવ્યા બાદ નકલી ઘીમાં વપરાયેલા પદાર્થોની સત્તાવાર પુષ્ટિ થશે અને કાયદાકીય શકો વધુ મજબૂત બનશે. અદાલતમાં આરોપીઓ વિરુદ્ધ સજ્જડ કેસ સાબિત થઈ શકે અને કડકમાં કડક સજા થાય તે માટે તમામ પુરાવા એકત્રિત કરીને એક મજબૂત ચાર્જશીટ રજૂ કરવાની તૈયારી ચાલી રહી છે.

આ પણ વાંચો : Suratના લસકાણામાં કન્સ્ટ્રક્શન લિફ્ટ તૂટતાં શ્રમિક યુવકનું કરુણ મોત