ગાંધીનગર નજીકના અંબાપુર નર્મદા કેનાલ પાસે થયેલા લૂંટ વિથ મર્ડર કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચના હાથે ઝડપાયેલા આરોપીનું ગઈકાલે સાંજે ગાંધીનગર પોલીસના હાથે એન્કાઉન્ટર થયુ હતું.આ શખસની ધરપકડ બાદ ગાંધીનગર એલસીબીની ટીમ ઘટના સ્થળનું રિકન્ટ્રક્શન અને પંચનામું કરવા માટે તેને નર્મદા કેનાલ લઈ ગઈ હતી ત્યારે તેણે ગાડીમાં બેઠેલા પોલીસ સબ ઇન્સપેક્ટરનું હથિયાર ઝુંટવી પોલીસ પર ફાયરિંગ કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. સ્વબચાવમાં પોલીસે કરેલા ફાયરિંગમાં તેનું ઘટના સ્થળે જમોત નિપજ્યુ હતું.
આરોપીને છાતી, હાથ અને મુત્રાશયના ભાગે સાત ગોળી વાગી
આજે સાયકો કિલર વિપુલ પરમારનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. તેને ગોળી ક્યાં ક્યાં વાગી તે માટે એક્સ રે મશીન લઈ જવામાં આવ્યું હતું. તેના શરીર પર રહેલા નિશાન ગોળીના છે કે અન્ય છે તેની તપાસ માટે એક્સ રે કરવામાં આવ્યો હતો. બીજી તરફ પોલીસે ઘટના સ્થળે જઈને પંચનામાની કાર્યવાહી કરી હતી. પોલીસે એફએસએલની ટીમને સાથે રાખીને પંચનામું કર્યું હતું. પોસ્ટમોર્ટમની પ્રાથમિક વિગતો પ્રમાણે આરોપીને છાતી, હાથ અને મુત્રાશયના ભાગે સાત ગોળી વાગી હતી.













