ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે આજે શિક્ષકો દ્વારા એક મોટું વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2010 પહેલાં સેવામાં જોડાયેલા જૂના અને અનુભવી શિક્ષકો માટે પણ TET પરીક્ષા ફરજિયાત કરવાના નિર્ણય સામે શિક્ષક આલમમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ વિવાદાસ્પદ નિયમનો વિરોધ કરવા માટે રાજ્યભરમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં શિક્ષકો ગાંધીનગર ખાતે એકઠા થયા હતા અને સરકાર સામે સૂત્રોચ્ચાર કરીને પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

અનુભવી શિક્ષકો પર ગેરવ્યાજબી નિયમ થોપવાનો પ્રયાસ

આંદોલન કરી રહેલા શિક્ષકોનું કહેવું છે કે, જેઓ વર્ષ 2010 પહેલાથી એટલે કે છેલ્લા 15-20 વર્ષ કરતાં વધુ સમયથી શાળામાં સફળતાપૂર્વક શિક્ષણ આપી રહ્યા છે, તેમની પાસે બહોળો અનુભવ છે. આવા અનુભવી શિક્ષકો પાસે હવે આ ઉંમરે TET ની પરીક્ષા પાસ કરવાનો નિયમ રાખવો તે તદ્દન ગેરવ્યાજબી અને અન્યાયકર્તા છે. વિરોધ પ્રદર્શનમાં હાજર એક શિક્ષકે મીડિયા સાથે વાતચીતમાં આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "આ સરકાર દ્વારા જૂના શિક્ષકોને હેરાન કરવા અને નવી પરીક્ષાઓ લાવીને માત્ર 'તૂત' ઊભું કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ નિયમ કોઈ પણ કાળે સ્વીકાર્ય નથી."

આંદોલન વધુ તેજ કરવાની ચીમકી

સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયેલા શિક્ષક સંગઠનોના હોદ્દેદારોએ જણાવ્યું છે કે, જો સરકાર 2010અગાઉના શિક્ષકોને આ નિયમમાંથી મુક્તિ નહીં આપે, તો આગામી દિવસોમાં આ વિરોધ પ્રદર્શન માત્ર ગાંધીનગર પૂરતું સીમિત નહીં રહે પરંતુ સમગ્ર રાજ્યમાં કાળી પટ્ટી ધારણ કરીને અને શૈક્ષણિક કાર્યથી અલિપ્ત રહીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ મામલે શિક્ષકો દ્વારા શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને સંબોધીને એક આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે. 


આ પણ વાંચો  :  Sandesh Indepth : સુરતમાં સંકોચાતી ખાડી બની 'ડેથ ટ્રેપ', 1 હજાર કરોડની જાહેરાતો માત્ર કાગળ પર, 9.23 લાખ નાગરિકો આજે પણ જોખમમાં