ગાંધીનગર સ્થિત ગુજરાત વિધાનસભા સંકુલ તેમજ કોર્ટને સવારે આશરે 8 વાગ્યાના અરસામાં બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈ-મેઈલ મળતાં સુરક્ષા એજન્સીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના સમયસૂચકતા દાખવી હતી અને દરરોજના સુરક્ષા પ્રોટોકોલ મુજબ સવારે 9 વાગ્યા પહેલાં જ સમગ્ર વિધાનસભા સંકુલનું ખૂણે-ખૂણે સઘન ચેકિંગ પૂર્ણ કરી લીધું હતું.
તપાસમાં કશું શંકાસ્પદ ન મળ્યું, રાબેતા મુજબ સત્ર શરૂ
પોલીસ અને બોમ્બ સ્કવોડની ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન વિધાનસભા તેમજ કોર્ટ પરિસરમાંથી કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ કે સામગ્રી મળી આવી નહોતી. તમામ સુરક્ષા પાસાંઓની પૂરતી ખાતરી થઈ ગયા બાદ અફવાઓ પર વિરામ મુકાયો હતો અને વિધાનસભાનું કાર્યવાહી સત્ર પોતાના નિર્ધારિત સમયે જ રાબેતા મુજબ શરૂ થઈ ગયું હતું.
