કેન્દ્ર સરકારે ગુજરાતના ગાંધીનગર સ્થિત GIFT City માં કાર્યરત કંપનીઓ માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને રાહત આપતો નિર્ણય લીધો છે. સરકારે ગીફ્ટ સિટીની કંપનીઓ માટે વિદેશી ધ્વજ ધરાવતા જહાજો ના લીઝિંગ અને તેના સંચાલન સંબંધિત નિયમોમાં મોટી છૂટછાટ જાહેર કરી છે. આ નવા નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને વૈશ્વિક સ્તરે મેરિટાઇમ ફાયનાન્સ, શિપ લીઝિંગ અને આંતરરાષ્ટ્રીય વ્યાપારનું એક મુખ્ય હબ બનાવવાનો છે. આ સંદર્ભે સત્તાવાર જાહેરનામું પણ બહાર પાડી દેવામાં આવ્યું છે.
DGMA ના અલગ લાયસન્સમાંથી મળી મુક્તિ
નવા નિયમો અનુસાર, ગિફ્ટ સિટીના ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટરમાં સ્થાપિત કંપનીઓને હવે વિદેશી ધ્વજવાળા જહાજો ભાડે લેવા માટે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ મેરિટાઇમ એડમિનિસ્ટ્રેશન પાસેથી અલગથી ખાસ લાયસન્સ મેળવવાની જરૂર રહેશે નહીં. સરકાર દ્વારા આ મોટી છૂટછાટ 'કોસ્ટલ શિપિંગ એક્ટ, 2025' ની કલમ 37 હેઠળ આપવામાં આવી છે. આ નિર્ણયથી ગિફ્ટ સિટીની કંપનીઓ કોઈપણ વહીવટી અવરોધ વિના વિદેશી જહાજોને ચાર્ટર પર લઈ શકશે અને તેનો ઉપયોગ કરી શકશે.
જૂના નિયમોના કારણે કંપનીઓને પડતી હતી મુશ્કેલીઓ
આ અગાઉના નિયમોની વાત કરીએ તો, ભારતીય દરિયાઈ ક્ષેત્રમાં તટીય વ્યાપાર કરવા માટે વિદેશી ધ્વજવાળા જહાજોનું સંચાલન શરૂ કરતા પહેલાં DGMA પાસેથી મંજૂરી અને લાયસન્સ લેવું ફરજિયાત હતું. આ લાયસન્સ મેળવવાની સરકારી પ્રક્રિયા ખૂબ જ સમય માંગી લે તેવી હતી, જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે કોમોડિટી ટ્રેડિંગ કરતી ઘણી ભારતીય કંપનીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, અને તેમનો વ્યવસાય પ્રભાવિત થતો હતો. જેને પગલે અનેક વ્યાપારી સંગઠનોએ આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
વૈશ્વિક શિપ લીઝિંગ માર્કેટમાં ભારતનો દબદબો વધશે
સરકારના આ પ્રો-બિઝનેસ નિર્ણયથી ગિફ્ટ સિટીમાં કામ કરી રહેલી કંપનીઓની કામગીરી વધુ સરળ અને ઝડપી બનશે. આનાથી ભારતમાં શિપ લીઝિંગ અને ઇન્ટરનેશનલ ટ્રેડિંગ સાથે જોડાયેલા બિઝનેસને મોટો વેગ મળવાની આશા છે. આ ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે, આ આર્થિક અને નીતિગત સુધારાથી વૈશ્વિક સ્તરે સિંગાપોર અને દુબઈ જેવા મેરિટાઇમ હબની જેમ ભારતનું ગિફ્ટ સિટી પણ વૈશ્વિક શિપિંગ કંપનીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
આ પણ વાંચો - Surat News: ભારે વરસાદ અને પૂરને કારણે ટેક્સટાઈલમાં 500 કરોડનું નુકસાન, ડાયમંડમાં 3 હજાર કરોડનો કારોબાર અટક્યો