ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. હાલમાં ઉમેદવારી ફોર્મ ચકાસણીની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં વિવિધ પક્ષોના ઉમેદવારોના ફોર્મ પર વાંધા-વચકા અને મંજૂરીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ચકાસણી દરમિયાન આમ આદમી પાર્ટી (AAP) માટે મુશ્કેલીઓ વધી ગઈ છે અને પાર્ટીના કેટલાક મહત્વના ઉમેદવારોના ફોર્મ રદ થયા છે.
વોર્ડ નં 5 માં જીતેન્દ્રસિંહ ચૌહાણનું ફોર્મ રદ્દ
ગાંધીનગર મનપાના વોર્ડ નં 5માં આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડી રહેલા જીતેન્દ્રસિંહ ચૌહાણનું ઉમેદવારી ફોર્મ રદ્દ કરવામાં આવ્યું છે. ભાજપ દ્વારા આ ફોર્મ સામે સત્તાવાર વાંધો ઉઠાવવામાં આવ્યો હતો કેમ કે પક્ષ દ્વારા સમયસર યોગ્ય 'મેન્ડેટ' રજૂ કરવામાં આવ્યો ન હતો. આ ઉપરાંત, વોર્ડ નં 6 માં યુથ ઈન્ડિયા પીસ પાર્ટીના ઉમેદવાર કાજલ મકવાણાનું ફોર્મ પણ રદ થવા પામ્યું છે.

બેથી વધુ સંતાન મુદ્દે પ્રવીણ દંતાણીનું ફોર્મ રદ્દ
આપ પાર્ટીને વધુ એક મોટો ઝટકો વોર્ડ નંબર 2 માં લાગ્યો છે. અહીં આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રવીણ દંતાણીનું ફોર્મ કાયદાકીય જોગવાઈઓના કારણે રદ્દ થયું છે. મળતી માહિતી મુજબ, બેથી વધુ સંતાન હોવાના નિયમને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે, જેના કારણે આપની મુશ્કેલીઓમાં વધારો થયો છે.

વોર્ડ નં 10 ના ઉમેદવાર હાર્દિક તલાટીનું ફોર્મ પણ રદ્દ
આપના ઉમેદવારનું પત્તુ કપાયું છે. વોર્ડ નંબર 10 માંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર હાર્દિક તલાટીનું ફોર્મ પણ રદ્દ કરવામાં આવ્યું છે. આ મામલે આપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, એફિડેવિટમાં રજૂ કરેલી વિગતોના ડોક્યુમેન્ટ્સ માટે પૂરતો સમય આપવામાં આવ્યો ન હતો.
ભાજપ અને કોંગ્રેસની સ્થિતિ સુરક્ષિત
એક તરફ આમ આદમી પાર્ટીના અનેક ઉમેદવારોના ફોર્મ રદ્દ થવાથી પાર્ટી ચિંતામાં મુકાઈ છે, તો બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ માટે રાહતના સમાચાર છે. આ બંને મુખ્ય પક્ષોના મુખ્ય ઉમેદવારોના તમામ ફોર્મ માન્ય રહ્યા છે, જોકે તેમના કેટલાક ડમી ઉમેદવારોના ફોર્મ નિયમોનુસાર રદ્દ થયા છે.
આ પણ વાંચો: Gandhinagar: મનપાની ચૂંટણી માટે કુલ 203 ઉમેદવારી ફોર્મ ભરાયા; 16 અપક્ષો પણ જંગમાં ઉતર્યા