ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) ની ચૂંટણી નજીક આવતાં જ રાજકીય ગરમાવો વધી ગયો છે. આજથી ભારતીય જનતા પાર્ટીએ ગાંધીનગરના તમામ 11 વોર્ડમાં પોતાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયો વિધિવત રીતે શરૂ કરીને પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. વોર્ડ નંબર 1 માં આયોજિત કાર્યાલયના શુભારંભ પ્રસંગે ગાંધીનગર મનપાના ચૂંટણી પ્રભારી અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગર મનપા ચૂંટણીનો જંગ જામ્યો
માધ્યમો સાથેની વાતચીતમાં ચૂંટણી પ્રભારી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, "મધ્યસ્થ કાર્યાલય એ ચૂંટણી પ્રચાર અને આયોજન માટેની એક વ્યવસ્થિત સિસ્ટમ છે. મનપા અને ભાજપ સરકારે ગાંધીનગરમાં કરેલા અભૂતપૂર્વ વિકાસના કામોને લઈને અમે જનતા વચ્ચે જઈશું અને તે કામોના આધારે જ લોકો પાસે મત માંગીશું." આજથી જ તમામ 11 વોર્ડમાં ભાજપનો સ્થાનિક પ્રચાર પૂરજોશમાં શરૂ થઈ ગયો છે.
