ભ્રષ્ટાચારના નિર્મૂળ અને પારદર્શક વહીવટ માટે જનજાગૃતિ લાવવાના હેતુસર રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા આવતીકાલથી 7 નવેમ્બર 2026 દરમિયાન સતર્કતા જાગૃતિ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષના આ સપ્તાહની મુખ્ય થીમ "Probity for Prosperity"-સત્યનિષ્ઠાથી સમૃદ્ધિ રાખવામાં આવી છે. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં પ્રમાણિકતા, નૈતિક મૂલ્યો અને સક્રિય નાગરિકતાની ભાવનાને દ્રઢ કરવાનો છે. આ અભિયાન અંતર્ગત રાજ્યના તમામ વિભાગો, ખાતાના વડાઓ, બોર્ડ-નિગમો, જાહેર સાહસો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા વ્યાપક સ્તરે વિવિધ જાગૃતિલક્ષી કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવશે.
વેબસાઈટની મુલાકાત લઈને ઈ-પ્રતિજ્ઞા પણ લઈ શકશે
આ સપ્તાહ દરમિયાન સમગ્ર રાજ્યમાં અનેકવિધ પ્રવૃત્તિઓ અને રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.આ અભિયાન દરમિયાન બીજી નવેમ્બરે તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ફરજ પ્રત્યે નિષ્ઠા ના શપથ લેવામાં આવશે. આ ઉપરાંત સામાન્ય નાગરિકોને પણ સત્યનિષ્ઠાના શપથ લેવડાવવામાં આવશે. આ સંદર્ભે નાગરિકો સી.વી.સી.ની વેબસાઈટની મુલાકાત લઈને ઈ-પ્રતિજ્ઞા પણ લઈ શકશે. રાજ્યની અનેક સંસ્થાઓમાં નીતિઓ અને નિવારક સતર્કતા અંગેના પત્રો તેમજ કાર્યશાળાઓનું પણ આયોજન કરવામાં આવશે.
