બંગાળની ખાડીમાં સર્જાયેલા 'અર્નબ' વાવાઝોડાની પરોક્ષ અસર હેઠળ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ, આ વાવાઝોડાના પ્રભાવથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં 30 અને 31 ઓક્ટોબર દરમિયાન કમોસમી વરસાદી માહોલ સર્જાવાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તહેવારો અને વેકેશનના સમયે હવામાનમાં આવેલા આ ફેરફારને કારણે રાજ્યના તાપમાનમાં પણ ફેરફાર જોવા મળશે.જેનાથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડે તેવી સંભાવના છે.

રાજ્યના આ વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે છે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,વાવાઝોડાની મુખ્ય અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સૌથી વધુ જોવા મળશે. દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી,નવસારી અને વલસાડ જિલ્લાઓ તેમજ સંઘપ્રદેશ દમણમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામવાની શક્યતા છે. બીજી તરફ, સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ કમોસમી વરસાદની આગાહીને પગલે સ્થાનિક પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

ગુજરાતમાં બે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ 

હવામાન વિભાગના કહેવા પ્રમાણે ગુજરાતમાં બે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે જેને કારણે ગુજરાતમાં વરસાદ પાડવાની શક્યતાઓ છે. આજથી આગામી બે દિવસ સુધી કેટલાક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતાઓ છે.સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ ખેડૂતોની ચિંતામાં વધારો કરી શકે છે.દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના બાકીના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે. અર્નબ વાવાઝોડાને કારણે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. 

આ પણ વાંચોઃ Surat News: ચૂંટાયેલા નગરસેવકોએ મનપાની સામાન્ય સભામાં 750 રૂપિયે કિલોના ભાવે ભજીયા મંગાવ્યા