ગુજરાતમાં સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. UPSC સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને મળતી આર્થિક પ્રોત્સાહક સહાયમાં રાજ્ય સરકારે વધારો કર્યો છે. ઉમેદવારો માટે સ્ટાઈપેન્ડ તેમજ પ્રોત્સાહક સહાયમાં વધારો કરવા અંગે સામાન્ય વહિવટ વિભાગે એક સત્તાવાર પરિપત્ર જાહેર કર્યો છે.
દર મહિને ચાર હજાર રૂપિયાનું સ્ટાઈપેન્ડ
સામાન્ય વહિવટ વિભાગના પરિપત્ર પ્રમાણે અમદાવાદમાં સ્પીપામાં સિવિલ સર્વિસની પ્રિલિમ પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોને વધુમાં વધુ સાત મહિના અથવા UPSC પ્રિલિમ પરીક્ષા યોજાય ત્યાં સુધી દર મહિને ચાર હજાર રૂપિયાનું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. આ ઉપરાંત પ્રિલિમ પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોમાં યુવકોને 35 હજાર અને યુવતીઓને 50 હજારની સહાય આપવામાં આવશે. આ પરિપત્ર પ્રમાણે સ્પીપાના વિદ્યાર્થીઓને અગાઉ ચૂકવવામાં આવેલી સ્ટાઈપેન્ડની રકમ બાદ કરીને બાકી સહાય આપવામાં આવશે.
