સુરતના નાસીરનગરમાં હાથ ધરવામાં આવેલી ડિમોલિશનની કાર્યવાહી હાલ ખૂબ જ ચર્ચાસ્પદ બની છે.આ સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકાના કમિશનરે એક મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું છે કે,નિયમોના ઉલ્લંઘન અને ફરજમાં બેદરકારી બદલ પાંચ જવાબદાર અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.સ્થાનિક સ્તરે થયેલા વિરોધ અને ગેરરીતિની ફરિયાદો બાદ મનપા દ્વારા એક તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. 

કાયદાકીય પ્રક્રિયા વિધિવત રીતે પૂર્ણ કરાશે

સુરત મ્યુનિસિપલ કમિશ્નરે સ્પષ્ટતા કરી હતી કે, તપાસ કમિટીના અહેવાલના અનુસંધાને આ વહીવટી કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, મનપાના અધિકારીઓ આ કામગીરી દરમિયાન તેમની ફરજો નિભાવવામાં નિષ્ફળ રહ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ કેસ હાલમાં ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે.ન્યાયિક પ્રક્રિયા ચાલુ હોવાથી તંત્ર સાવચેતીપૂર્વક આગળ વધી રહ્યું છે. અમે હાઈકોર્ટના તમામ નિર્દેશોનું પાલન કરવા માટે પ્રતિબદ્ધ છીએ.આગામી દિવસોમાં સમગ્ર કાયદાકીય પ્રક્રિયા વિધિવત રીતે પૂર્ણ કરવામાં આવશે.

માત્ર સસ્પેન્શન નહીં ન્યાય અને આશ્રયની મુખ્ય માંગ

હાઈકોર્ટના આદેશ બાદ નાસીરનગરના પીડિતોને રહેવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. મનપાના પાંચ અધિકારીઓને સસ્પેન્ડ થવા અંગે અસરગ્રસ્ત પરિવારોમાં અસંતોષ જોવા મળ્યો છે. તેમનું કહેવું છે કે, હાઈકોર્ટમાં બે વાર કેસ ચાલ્યા બાદ આ કાર્યવાહી યોગ્ય નથી. અધિકારીઓને સસ્પેન્ડ કરવાથી અમારા મકાનો પાછા નહીં મળે.પીડિત પરિવારોએ ઘરના બદલે ઘર આપવાની માગ કરી હતી. તેમણે કહ્યું હતું કે, માત્ર સસ્પેન્શન નહીં પણ ન્યાય અને આશ્રય અમારી મુખ્ય માંગ છે. 

આ પણ વાંચોઃ Rajkot મનપામાં ગાડી કૌભાંડ મુદ્દે મહાસંગ્રામ, મેયર નેહલ શુક્લે આપ્યા તપાસના આદેશ