રાજકોટ મહાનગરપાલિકામાં વાહનોના દુરુપયોગની ફાળવણીને લઈને એક મોટું ગાડી કૌભાંડ સપાટી પર આવ્યું છે. આ ચકચારી મામલો ગરમાતાં રાજકોટના મેયર નેહલ શુક્લએ સત્તાવાર નિવેદન આપીને કડક તપાસની ખાતરી આપી છે. 

15 દિવસ પહેલાં જ તમામ કાર કોન્ટ્રાક્ટ રદ્દ 

મેયરે સ્પષ્ટ કર્યું હતું કે મનપામાં 15 દિવસ પહેલાં જ તમામ કાર કોન્ટ્રાક્ટ રદ્દ કરી દેવામાં આવ્યા છે. જો કોઈ અધિકારી 15 દિવસ પહેલાં કાર વાપરતા હશે તો ચોક્કસ તપાસ થશે. નિયમ મુજબ ક્લાસ- 2 ના કર્મચારીઓને ઓફિશિયલ કાર આપવામાં આવતી જ નથી.

 જયેશ વાકાણીએ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા

બીજી તરફ, આ કૌભાંડમાં જેમના પરિવારનું નામ ઉછળ્યું છે તેવા મનપાના આરોગ્ય અધિકારી જયેશ વાકાણીએ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવી ફગાવ્યા છે. તેમણે જણાવ્યું કે મેડિકલ ઓફિસર ધૃતિ વાકાણી મારા ધર્મપત્ની છે, પરંતુ તેઓ મનપાના કોન્ટ્રાક્ટની કારનો કોઈ ઉપયોગ કરતા નથી. કોર્પોરેશન આરોગ્ય કામગીરી માટે ઇકો ગાડી ફાળવે છે, કોઈ લક્ઝુરિયસ સેડાન કાર નહીં. ધૃતિ જે કાર વાપરે છે તેના વપરાશની તમામ ચૂકવણી હું પોતે કરું છું. જોકે, આ કેસમાં ડ્રાઈવરે કેમેરા સામે કબૂલાત કરી હતી કે આ કાર મનપાના કોન્ટ્રાક્ટની જ છે, જેના લીધે રહસ્ય ઘેરાયું છે.

રાજકીય ગરમાવો વ્યાપી ગયો

આ મામલે રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે અને શહેર કોંગ્રેસ પ્રમુખે શાસકો પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે મનપામાં ભાજપના શાસકો અને ઉચ્ચ અધિકારીઓ મળીને ટેક્સપેયર્સના કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. કોંગ્રેસે માગ કરી છે કે આ ગાડી કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ તાત્કાલિક કાયમી ધોરણે રદ્દ થવો જોઈએ અને જે ઓફિસર ગેરકાયદે ગાડી વાપરે છે તેનો હિસાબ મેળવવો જોઈએ. ગાડી કોના નામે છે અને તેના પેટ્રોલ તથા ડ્રાઈવરના રૂપિયા કોણ ચૂકવે છે તેની હાઈલેવલ તપાસ થવી જ જોઈએ.


આ પણ વાંચો----     Sandesh Digital Explainer: છેલ્લા 100 વર્ષમાં સૌથી સૂકો જૂન મહિનો કેમ રહ્યો ? હવે જુલાઈમાં શું થશે? તમારા પ્રશ્નના તમામ જવાબ વાંચો