આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે રાજ્યની પ્રાથમિક શાળાઓ અને હોસ્ટેલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સુરક્ષા માટે અત્યંત મહત્વનો નિર્ણય લીધો છે. શિક્ષણ વિભાગ દ્વારા 'સ્કૂલ સેફ્ટી' અંતર્ગત વ્યાપક અને કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જેના અમલીકરણ માટે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ (DEO), જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ અને શાસનાધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે.
જર્જરિત ઓરડા અને સુરક્ષા પર વિશેષ ભાર
સરકારની નવી માર્ગદર્શિકા મુજબ રાજ્યની કોઈપણ શાળાના જર્જરિત ઓરડાઓમાં વિદ્યાર્થીઓને બેસાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.આ ઉપરાંત શાળા અને હોસ્ટેલ પરિસરની છત તેમજ મેદાનની સફાઈ ચોમાસા પૂર્વે જ પૂર્ણ કરી લેવા તાકીદ કરવામાં આવી છે.વીજળીના જોખમોને ટાળવા માટે પરિસરમાં ખુલ્લા વાયરો ન રહે અને અર્થિંગની યોગ્ય વ્યવસ્થા હોય તે સુનિશ્ચિત કરવું પડશે.માત્ર ISI માર્કાવાળા જ વીજ ઉપકરણોનો ઉપયોગ કરવા આદેશ અપાયો છે.













