રાજ્યની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં હયાત ભૌતિક સુવિધાઓની સ્થિતિ સુધારવા માટે સમગ્ર શિક્ષા દ્વારા એક મહત્વપૂર્ણ આદેશ જારી કરવામાં આવ્યો છે. આ બાબતે જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને કડક સૂચનાઓ આપવામાં આવી છે. આ આદેશ અંતર્ગત તમામ સરકારી શાળાઓમાં પીવાના પાણીની ટાંકી, ડ્રેનેજ લાઈન તેમજ શૌચાલયની સુવિધાઓની યોગ્ય તપાસ કરીને તાત્કાલિક રિપોર્ટ તૈયાર કરવાણાં આવશે.

જરૂરિયાત મુજબ રિપેરિંગ કામ હાથ ધરવાનું રહેશે

આ ઉપરાંત, વર્ગખંડો અને શાળા પરિસરમાં આવેલા દરવાજા તથા ભોંયતળિયા (ફ્લોરિંગ) જેવી પ્રાથમિક સુવિધાઓની ચકાસણી કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે. શાળામાં જ્યાં પણ ભૌતિક ક્ષતિઓ જણાશે, ત્યાં જરૂરિયાત મુજબ રિપેરિંગ કામ હાથ ધરવાનું રહેશે. આ તમામ ભૌતિક સુવિધાઓની સાચી અને વાસ્તવિક સ્થિતિ પોર્ટલ પર ઓનલાઈન દર્શાવવી ફરજિયાત બનાવવામાં આવી છે.

પ્રમાણપત્ર વહીવટી કચેરીમાં જમા કરાવવાનું રહેશે

રિપેરિંગ અને મરામતની આ સમગ્ર કામગીરી માટે ગ્રાન્ટનું વ્યવસ્થાપન શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) દ્વારા કરવામાં આવશે. નિયત સમયમર્યાદામાં રિપેરિંગનું કામ પૂર્ણ કર્યા બાદ, દરેક શાળાએ સંબંધિત કામગીરી પૂર્ણ કર્યાનું પ્રમાણપત્ર વહીવટી કચેરીમાં જમા કરાવવાનું રહેશે, જેથી શાળાઓની ભૌતિક સુવિધાઓની ગુણવત્તા સુનિશ્ચિત કરી શકાય.

આ પણ વાંચોઃ Gandhinagar News: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી કૂલ 8 દર્દીના મોત: આરોગ્ય મંત્રી પ્રફૂલ પાનશેરિયા