ગુજરાત સરકાર દ્વારા રાજ્યના મંત્રીઓની અધ્યક્ષતામાં કાર્યરત વિવિધ સ્થાયી પરામર્શ સમિતિઓ માળખાકીય ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા આ સમિતિઓમાં નવા આમંત્રિત સભ્યો તરીકે સંસદ સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. વહીવટી અને નીતિવિષયક સલાહ-સૂચનો આપવા માટે આ સમિતિઓ અત્યંત મહત્વની ભૂમિકા ભજવતી હોય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પરામર્શ સમિતિમાં ફેરફાર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતાવાળી સ્થાયી પરામર્શ સમિતિમાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે.
નરહરિ અમીનના સ્થાને જીતેન્દ્ર કણઝારીયાને આમંત્રિત સંસદ સભ્ય તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત, શક્તિસિંહ ગોહિલના સ્થાને રાજેશ શુક્લની નવા આમંત્રિત સભ્ય તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

અર્જુનભાઈ મોઢવાડિયા અને રમણભાઈ સોલંકીની સમિતિઓમાં નવી નિમણૂક
રાજ્યના અન્ય મંત્રીઓની અધ્યક્ષતા વાળી પરામર્શ સમિતિઓમાં પણ સંસદ સભ્યોની ફેરબદલ કરવામાં આવી છે:
- અર્જુનભાઈ મોઢવાડિયાની પરામર્શ સમિતિ: રમીલાબેન બારાના સ્થાને મુકેશભાઈ રાઠવાનો આમંત્રિત સભ્ય તરીકે સમાવેશ કરાયો છે.
- રમણભાઈ સોલંકીની પરામર્શ સમિતિ: રામભાઈ મોકરીયાના સ્થાને માનસિંહ પરમારની આમંત્રિત સભ્ય તરીકે પસંદગી કરવામાં આવી છે.
સમિતિઓની કામગીરી વધુ વેગવંતી બનશે
સરકાર દ્વારા લેવાયેલા આ આંતરિક ફેરફારો પાછળ વિવિધ વિભાગોની સમીક્ષા અને નીતિગત બાબતોમાં પરામર્શ પ્રક્રિયાને વધુ સઘન બનાવવાનો હેતુ રહેલો છે. નવા નિમણૂક પામેલા સભ્યો પોતપોતાની સમિતિઓમાં સરકારના વિકાસલક્ષી કાર્યોમાં મહત્વનું યોગદાન પૂરું પાડશે.
સમિતિઓની ભૂમિકા અને મહત્વ
રાજ્ય સરકારના વિવિધ વિભાગોની કામગીરી વધુ પારદર્શી, ઝડપી અને પ્રજાભિમુખ બને તે માટે સ્થાયી પરામર્શ સમિતિઓ રચવામાં આવે છે. પ્રતિનિધિઓ તરીકે નવા સંસદ સભ્યોનો સમાવેશ થવાથી સ્થાનિક અને પ્રાદેશિક મુદ્દાઓ તેમજ પ્રજાકીય પ્રશ્નોને મંત્રીઓ સમક્ષ વધુ અસરકારક રીતે રજૂ કરી શકાશે.
આ પણ વાંચો: Vibrant Gujarat Summit: હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાતનું ડેલિગેશન દક્ષિણ કોરિયા પહોંચ્યું, ટેક્સટાઈલ ક્ષેત્રે મોટા રોકાણના એંધાણ!