ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની સ્થિતિ અને તેનાથી થયેલા નુકસાનની સમીક્ષા કરવામાં આવી હતી.સરકાર દ્વારા પૂરગ્રસ્તોને તાત્કાલિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેના માટે નુકસાનીનો સર્વે વહેલી તકે પૂર્ણ કરવાનો આદેશ અપાયો છે.અમદાવાદમાં પણ ભારે વરસાદથી વ્યાપક નુકસાન થયું હોવાથી સુરત મોડેલની તર્જ પર અમદાવાદના વેપારીઓને પણ આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે.

1997 અસરગ્રસ્ત ગામોમાં વીજળી પૂર્વવત

વરસાદી હોનારત વચ્ચે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા અંગે તેમણે માહિતી આપતાં જણાવાયું હતું કે,રાજ્યના અત્યાર સુધીના 1997 અસરગ્રસ્ત ગામોમાં વીજળી સફળતાપૂર્વક પૂર્વવત કરી દેવામાં આવી છે.આ કામગીરી દરમિયાન વીજ કર્મચારીઓના જીવનું જોખમ વધતું હોવાનું ધ્યાને આવતાં મુખ્યમંત્રીએ ચીફ સેક્રેટરીને સ્પષ્ટ સૂચના આપી છે કે તમામ વીજ કર્મચારીઓને તાત્કાલિક ધોરણે જરૂરી સેફ્ટી સાધનો પૂરા પાડવામાં આવે.આ ઉપરાંત વરસાદમાં વારંવાર તૂટી જતા રસ્તાઓની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માટે તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં સિમેન્ટ-કોંક્રિટ રોડ બનાવવાનો મોટો નિર્ણય લેવાયો છે.

તબક્કાવાર સીસી રોડ તૈયાર કરવામાં આવશે

પ્રથમ તબક્કે ગામતળના રસ્તાઓ અને ઔદ્યોગિક વિસ્તારોમાં પણ તબક્કાવાર સીસી રોડ તૈયાર કરવામાં આવશે.છેલ્લે રાજ્યમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા અને તેને દરેક નાગરિકના જીવનનો એક ભાગ બનાવવા માટે કેબિનેટ બેઠકમાંથી વિશેષ હાકલ કરવામાં આવી હતી.સરકારે દર મહિનાના પ્રથમ રવિવારે સવારે 8થી 9 વાગ્યા દરમિયાન એક કલાકનું શ્રમદાન કરવાની જાહેરાત કરી છે.આ સ્વચ્છતા મુહિમમાં રાજ્યના તમામ નાગરિકો, સામાજિક સંસ્થાઓ અને કર્મચારીઓ સક્રિય રીતે જોડાય અને પોતાના પરિસરમાં શ્રમદાન કરે તે માટે અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: શહેરમાં ચોમાસાની સિઝનમાં રોગચાળો વકર્યો, ડેન્ગ્યૂના કેસોમાં 5 ગણો વધારો