રક્ષાબંધન અને આગામી તહેવારોની સિઝનમાં રાજ્યના નાગરિકો અને મુસાફરોની સુવિધા સુનિશ્ચિત કરવા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં 101 નવીન એસ.ટી. બસોનું લોકાર્પણ કરી સેવામાં મૂકવામાં આવી હતી. આ નવીન બસોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લીલી ઝંડી દર્શાવીને (ફ્લેગઓફ) રવાના કરી હતી. આ પ્રસંગે રાજ્યના વાહનવ્યવહાર મંત્રી પ્રવિણ માળી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગરમાં રક્ષાબંધન પૂર્વે મોટી ભેટ
લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન એક અનોખો અને ભાવાત્મક દ્રશ્ય જોવા મળ્યો હતો, જ્યાં એસ.ટી. નિગમની મહિલા કંડક્ટર બહેનોએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. હર્ષ સંઘવીએ બહેનોના આ પ્રેમ અને સ્નેહ બદલ તેમને સામે વિશેષ ભેટ (ગિફ્ટ) આપીને આભાર વ્યક્ત કર્યો હતો.
