ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) એ પ્રવાસન ક્ષેત્રે મુસાફરોના અનુભવને સાવ નવા શિખરે લઈ જવા માટે ઐતિહાસિક કદમ ઉઠાવ્યું છે. દેશના પ્રવાસન નકશા પર ચમકતા વિશ્વના સૌથી ઊંચા સ્મારક ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ (એકતાનગર) ખાતેથી પ્રવાસીઓ માટે અતિઆધુનિક અને સુપર લક્ઝુરિયસ ‘એસી વિસ્ટાડોમ કોચ’ બસ સેવાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૧ ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે આ નવતર પ્રીમિયમ બસ સેવાનું વિધિવત લોકાર્પણ કર્યું હતું. ગૃહ અને વાહનવ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ હાઇટેક બસની અત્યાધુનિક સુવિધાઓ દર્શાવતો ખાસ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતાં જ તે ભારે લોકપ્રિય બન્યો છે.
કાચની ગુંબજવાળી છત અને ફરતી સીટો
આ બસની સૌથી મોટી ખાસિયત તેની ગુંબજ આકારની પારદર્શક કાચવાળી છત (ગ્લાસ રૂફટોપ) છે, જેના કારણે પ્રવાસીઓ મુસાફરી દરમિયાન ઉપર ખુલ્લા આકાશ અને આસપાસની ગિરિમાળાઓનો ૩૬૦-ડિગ્રી પેનોરેમિક વ્યૂ માણી શકશે. બસમાં માત્ર 23 સ્પેશિયલ પ્રીમિયમ સીટો રાખવામાં આવી છે. આ તમામ સીટો સંપૂર્ણપણે એડજસ્ટ થઈ શકે તેવી રિક્લાઈનિંગ અને પોતાની ધરી પર 360 ડિગ્રી ફરી શકે (રોટેટેબલ) તેવી ડિઝાઇન કરવામાં આવી છે, જેથી મુસાફર મનપસંદ દિશામાં ફરીને કુદરતી નજારો માણી શકે.બસમાં મનોરંજન માટે LED સ્માર્ટ ટીવી, મુસાફરોની સુરક્ષા માટે હાઇ-ડેફિનેશન CCTV કેમેરા, દરેક સીટ પર પર્સનલ મોબાઈલ ચાર્જિંગ પોઇન્ટ, પીણાં ઠંડા રાખવા માટે મિની રેફ્રિજરેટર અને તાજી ગરમ કોફી માટે ઓટોમેટિક કોફી મશીનની પણ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.
