સુરતના અત્યંત ચકચારી નાનપુરા મટન માર્કેટ 2 સીગરોની હત્યા કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખી મોટી સફળતા મેળવી છે. આ સનસનાટીભર્યા હત્યાકાંડમાં પોલીસે ત્રણ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળગુનેગારો (સગીરો) ની અટકાયત કરી છે. શરૂઆતમાં મૃતકના પરિવારજનો દ્વારા ‘ફ્રી ફાયર’ મોબાઈલ ગેમ રમવા બાબતે થયેલી તકરારમાં આ હત્યા થઈ હોવાનો દાવો કરવામાં આવતો હતો, પરંતુ પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં સાવ અલગ અને કંપારી છૂટી જાય તેવી હકીકત સામે આવી છે. સમગ્ર હત્યાકાંડ પાછળ ઇન્સ્ટાગ્રામ પર કરવામાં આવેલી કમેન્ટ અને સોશિયલ મીડિયા ગ્રુપની ગંદી અદાવત જવાબદાર હોવાનું સત્તાવાર રીતે બહાર આવ્યું છે.

‘સલમાન ખાન’ ગ્રુપમાં કમેન્ટ પડી ભારે

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ‘સલમાન ખાન’ નામના એક ગ્રુપમાં કોઈ પોસ્ટ કે ચર્ચા દરમિયાન સામસામે ઉગ્ર કમેન્ટ્સ અને ટિપ્પણીઓ કરવામાં આવી હતી. આ કમેન્ટ્સને લઈને સગીરો વચ્ચે જૂથબંધી અને અંગત અહમ ઘવાયો હતો. પરિણામે વાત બોલાચાલીમાંથી સામસામે મળવા અને હિસાબ ચૂકતે કરવા સુધી પહોંચી ગઈ હતી. નાનપુરા મટન માર્કેટ પાસે એકઠા થયેલા ત્રણ બાળકીશોરોએ આવેશમાં આવી જઈ તીક્ષ્ણ ચપ્પુ વડે ઉપરાછાપરી જીવલેણ ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે ગંભીર ઈજાઓથી યુવકનું મોત નીપજ્યું હતું.અગાઉ પરિવારે એવો આક્ષેપ કર્યો હતો કે ફ્રી ફાયર ગેમ રમતી વખતે થયેલા ઝઘડામાં આ હત્યા થઈ છે, પરંતુ પોલીસે ડિજિટલ પુરાવા અને ચેટ્સ તપાસતાં ઇન્સ્ટાગ્રામ પરની ટિપ્પણી જ હત્યાનું સાચું મૂળ હોવાનું સ્પષ્ટ થયું છે.

બાળ અદાલતમાં રજૂ કરવાની તજવીજ

સુરત પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ત્રણેય સગીરોની ઓળખ કરી તાત્કાલિક રાઉન્ડઅપ કરી લીધા છે.આરોપીઓ સગીર વયના હોવાથી જુવેનાઇલ જસ્ટિસ એક્ટ (JJ Act) ની જોગવાઈઓ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.હત્યામાં ઉપયોગમાં લેવાયેલું ચપ્પુ કબજે કરવા તેમજ સોશિયલ મીડિયા ચેટ્સનું પંચનામું કરવા પોલીસે આગળની કાનૂની કવાયત હાથ ધરી છે.નાની ઉંમરે સોશિયલ મીડિયા પરની સામાન્ય કમેન્ટ્સમાં લોહી વહાવવા સુધી પહોંચી જતી નવી પેઢીની માનસિકતાએ સુરત પોલીસ અને વાલીઓ બંને માટે મોટો ચિંતાનો વિષય ઊભો કર્યો છે.

આ પણ વાંચો: Ahmebadad: માધુપુરા હોલસેલ માર્કેટમાં AMC નું સરપ્રાઈઝ ચેકિંગ, ઘીના એકમોમાંથી લીધા સેમ્પલ