ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ-GSRTC દ્વારા મુસાફરોની સુવિધા માટે શરૂ કરવામાં આવેલી ડિજિટલ સેવાઓ અને મોબાઇલ એપ્લિકેશનને રાજ્યના નાગરિકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે.GSRTC મોબાઇલ એપ દ્વારા એક જ દિવસમાં સૌથી વધુ 88626 મુસાફરોએ એડવાન્સ બુકિંગ કરી નવો રેકોર્ડ સ્થપાયો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં સ્વચ્છ,સુરક્ષિત અને સલામત મુસાફરી પૂરી પાડવાની રાજ્ય સરકારની કટિબદ્ધતાના પરિણામે લાખો મુસાફરો હવે સ્માર્ટફોન થકી સરળતાથી બુકિંગ કરી રહ્યા છે.
એક જ દિવસમાં થયેલું આ અત્યાર સુધીનું સર્વોચ્ચ બુકિંગ
ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એસટી બસના કંડક્ટરો સાથે વાર્તાલાપ કર્યો હતો. તેમણે છૂટ્ટા પૈસાની તકલીફ હવે નથી રહેતી તેની પણ વિગતો મેળવી હતી.ગઈકાલે તા.26 ઓગસ્ટના રોજ GSRTC મોબાઇલ એપ દ્વારા સમગ્ર દિવસ દરમિયાન કુલ 88626 મુસાફરોએ પોતાની મુસાફરી માટે એડવાન્સ ટિકિટ બુક કરાવી છે. નિગમના ઇતિહાસમાં મોબાઇલ એપ્લિકેશન થકી એક જ દિવસમાં થયેલું આ અત્યાર સુધીનું સર્વોચ્ચ બુકિંગ છે.
