ગુજરાતના સરકારી પ્રાથમિક શિક્ષકો માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એક અત્યંત મહત્વનો અને રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્ય શિક્ષકની ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા (HTAT) અંગે મોટી સ્પષ્ટતા કરતાં જણાવાયું છે કે આ પરીક્ષામાં બેસવા માટે હવે શિક્ષકો માટે સ્નાતક (ગ્રેજ્યુએટ) હોવું ફરજિયાત નથી. સરકારના આ નિર્ણયથી રાજ્યના હજારો પ્રાથમિક શિક્ષકોને મોટો લાભ થશે અને તેમના માટે પ્રમોશન મેળવવાના નવા દ્વાર ખુલશે.

ફીડર કેડરના શિક્ષકો લાયકાતના આધારે આપી શકશે પરીક્ષા

શિક્ષણ વિભાગની નવી સ્પષ્ટતા મુજબ, બઢતી (પ્રમોશન) માટેની અન્ય તમામ નિયત શરતો પૂર્ણ કરતાં હોય તેવા ફીડર કેડરના શિક્ષકો પોતાની લાયકાતના આધારે HTAT પરીક્ષા આપી શકશે. ઉમેદવાર શિક્ષક સ્નાતક છે કે નહીં તે બાબતને ધ્યાનમાં લીધા વિના જ તેમને આ ખાસ સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવા માટે પાત્ર ગણવામાં આવશે. આ સ્પષ્ટતાના કારણે લાંબા સમયથી પરીક્ષાની રાહ જોઈ રહેલા શિક્ષકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

જિલ્લા ફેરબદલી અટકેલા શિક્ષકોને પણ પરીક્ષાની મંજૂરી

આ ઉપરાંત અન્ય એક સંવેદનશીલ મુદ્દા પર વિગતો આપતાં જણાવવામાં આવ્યું છે કે, જે શિક્ષકોના જિલ્લા ફેરબદલીના હુકમો થઈ ગયા હોય પરંતુ કોઈ વહીવટી કારણોસર તેમને હાલની શિક્ષણ સમિતિમાંથી ફરજમુક્ત (રિલીવ) કરવામાં આવ્યા ન હોય, તેવા શિક્ષકોને પણ HTAT પરીક્ષા માટે પાત્ર ગણવામાં આવશે. આ નિર્ણયથી વહીવટી પ્રક્રિયામાં અટવાયેલા શિક્ષકોની તક છીનવાઈ જશે નહીં, જેને તમામ શિક્ષક મંડળો દ્વારા આવકારવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Ahmedabad News: શહેરમાં ડેન્ગ્યુના કેસોમાં ચિંતાજનક વધારો, શરદી અને ખાંસી સાથે વાયરલ ફિવરનો કહેર