ચોમાસામાં ભારે વરસાદને પગલે રાજ્યના ઘણા વિસ્તારોમાં રોડ-રસ્તાઓને ભારે નુકસાન થયું છે. રાજ્યના નાગરિકોને ખરાબ રસ્તાઓના કારણે કોઈ મુશ્કેલી ન પડે તે હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના મુજબ રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે ક્ષતિગ્રસ્ત રસ્તાઓના સમારકામની કામગીરી પૂર્ણ કરીને પૂર્વવત કરવામાં આવી રહ્યા છે.જે અંતર્ગત રાજ્યના ક્ષતિગ્રસ્ત રસ્તાઓના માઈનોર પેચવર્ક 51 ટકા અને મેજર પેચવર્ક 40 ટકા જેટલા પૂર્ણ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રસ્તાઓમાં પડેલા માઇનર પોટહોલ્સ-ખાડા પૂરવાની કામગીરી પણ 62 ટકાથી વધુ પૂર્ણ કરવામાં આવી છે.


રસ્તાઓના મરામતની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ

ગુજરાતમાં રાજ્ય,પંચાયત, રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને પાટનગર યોજનાના મળીને કુલ 1.19 લાખ કિ.મી.થી વધુ લંબાઈ ધરાવતા રસ્તાઓ આવેલા છે.આ રસ્તાઓ પૈકી ભારે વરસાદના પગલે ક્ષતિગ્રસ્ત રસ્તાઓ પર માર્ગ અને મકાન વિભાગ દ્વારા માઇનોર પેચવર્ક કરવાપાત્ર 1893 કિ.મી. રસ્તાઓમાંથી 957 કિ.મી. 51 ટકા તેમજ મેજર પેચવર્ક કરવાપાત્ર 1074 કિ.મી. રસ્તાઓમાંથી 425 કિ.મી. રસ્તાઓનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. તેમજ બાકી રહેલા રસ્તાઓના મરામતની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે.

પોટહોલ્સ ભરવાની કામગીરી પણ પૂર્ણ

અત્યારસુધીમાં ક્ષતિગ્રસ્ત રસ્તાઓ પર કુલ 14169 જેટલા માઇનોર પોટહોલ્સ-ખાડા પૈકી 8841 એટલે કે 62 ટકાથી વધુ પોટહોલ્સ ભરવાની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે. જેમાં કોન્ક્રીટથી ભરેલા પોટહોલ્સ 243, પેવર બ્લોકથી ભરેલા પોટહોલ્સ 138, મેટલથી ભરેલા પોટહોલ્સ 5480 અને ડામરથી ભરેલા 2840 પોટહોલ્સનો સમાવેશ થાય છે.આગામી દિવસોમાં પણ અસુવિધા ન થાય તે માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા જરૂરી તકેદારીના પગલાંઓ લઈને સત્વરે રસ્તાઓ મરામત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

183 રસ્તાઓને ડાયવર્ઝન આપવામાં આવ્યું

આ ઉપરાંત રાજ્યમાં ભારે વરસાદના પગલે કુલ 183 રસ્તાઓને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જે પૈકી 154 રસ્તાઓનું ક્વોલિટી કંટ્રોલ દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે.ડાયવર્ઝન આપેલા રસ્તાઓમાંથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા 12 જેટલા રસ્તાઓનું સ્ટ્રક્ચર પૂર્ણ થતા તેમના પર અને અન્ય 3 વૈકલ્પિક રસ્તા પર ટ્રાફિક પુન: ચાલુ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 98 જેટલા ડાયવર્ઝન સારી કન્ડિશનમાં તેમજ 41 ડાયવર્ઝન રિપેરિંગ હેઠળ છે.


  • Follow us on: