ગુજરાતમાં નવા વર્ષના પ્રારંભ અને તહેવારોની મોસમ પહેલાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે એક નવું અને પ્રેરણાદાયી સ્લોગન જાહેર કરવામાં આવ્યું છે. સરકારી કચેરીઓમાં સામાન્ય પ્રજાના કામો વિના કારણ અટકાવીને પરેશાન કરતા તત્વો સામે એસીબી હવે વધુ સક્રિય બની છે.
સરકારી કામમાં વિલંબ પણ ભ્રષ્ટાચારનું નડતર સમાન
ઘણીવાર સરકારી ઓફિસોમાં ફાઇલો અકારણ પડતર રાખવામાં આવે છે અથવા કામ ઝડપથી પતાવવા માટે અપ્રત્યક્ષ કે પ્રત્યક્ષ રીતે લાંચની માંગણી કરવામાં આવે છે. એસીબીએ સ્પષ્ટ કર્યું છે કે, સરકારી કામમાં બિનજરૂરી વિલંબ કરવો એ પણ એક પ્રકારે ભ્રષ્ટાચારનું મોટું નડતર છે, જે સામાન્ય નાગરિકો માટે મુશ્કેલી ઊભી કરે છે.
નાગરિકોને પડતર કામો અને લાંચ સામે અવાજ ઉઠાવવા અપીલ
એસીબી દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે કે જો કોઈ પણ સરકારી કર્મચારી કે અધિકારી નાગરિકોનું કામ કાયદેસર હોવા છતાં પડતર રાખે અને બદલામાં લાંચની માંગણી કરે, તો નાગરિકોએ ડર્યા વગર આગળ આવવું જોઈએ. ભ્રષ્ટાચારના આ નડતરને જડમૂળમાંથી દૂર કરવા માટે એસીબી સમક્ષ સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવવા માટે નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.

લાંચ કે ભ્રષ્ટાચારની ફરિયાદ માટે 1064 હેલ્પલાઇન નંબર જાહેર
રાજ્યના નાગરિકો કોઈપણ પ્રકારના ભ્રષ્ટાચાર કે લાંચરૂશ્વત સામે તાત્કાલિક પગલાં ભરી શકે તે માટે એસીબી દ્વારા સતત કાર્યરત હેલ્પલાઇન નંબર ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. જો કોઈ કર્મચારી લાંચ માંગે અથવા કામમાં પરેશાન કરે તો નાગરિકો 1064 હેલ્પલાઇન નંબર પર કોલ કરીને સીધી જ ફરિયાદ નોંધાવી શકે છે, અને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટી તંત્રમાં પોતાનું યોગદાન આપી શકે છે.
આ પણ વાંચો: Ahmedabad News: સાવધાન! ટિન્ડર એપથી હનીટ્રેપ, વેપારી પાસેથી ક્રાઈમ બ્રાન્ચના નામે લાખો પડાવ્યા