રાજ્યના નાગરિકોને શ્રેષ્ઠ અને અદ્યતન આરોગ્ય સેવાઓ પૂરી પાડવાના અભિગમ સાથે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં રાજ્યની વિવિધ સરકારી મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં નેત્ર રોગની અદ્યતન સારવાર તેમજ મોતિયાના ઓપરેશન માટે અત્યંત ઉપયોગી એવા 18 એડવાન્સ ફેકોઇમલસિફિકેશન મશીન વસાવવાની મંજૂરી આપવામાં આવી છે. એડવાન્સ ફેકોઇમલસિફિકેશન મશીનની કુલ કિંમત રૂ.8.85 કરોડથી વધુના અંદાજિત ખર્ચે ખરીદવામાં આવનારા આ અદ્યતન મશીનો રાજ્યની વિવિધ સરકારી આંખની હોસ્પિટલો અને મેડિકલ કોલેજોમાં ફાળવવામાં આવશે. જેથી સામાન્ય દર્દીઓને વિનામૂલ્યે આધુનિક ટેકનોલોજીથી નેત્ર સારવારનો લાભ મળશે.

આધુનિક ટેકનોલોજીથી નેત્ર સારવાર

રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલા આ અદ્યતન એડવાન્સ ફેકોઇમલસિફિકેશન મશીન વિવિધ સરકારી હોસ્પિટલો અને મેડિકલ કોલેજોમાં પહોંચાડવામાં આવશે. જેમાં એમ.એન્ડ જે.ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપ્થેલ્મોલોજી-અમદાવાદને 7 મશીન,ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ ભાવનગરને 2 મશીન તથા જી.એમ.ઈ.આર.એસ. હોસ્પિટલ મોરબીને 2 મશીન અપાશે.આ ઉપરાંત ન્યૂ સિવિલ હોસ્પિટલ-સુરત, ઓલ્ડ સિવિલ હોસ્પિટલ સુરત, જી.જી.જનરલ હોસ્પિટલ -જામનગર,જનરલ હોસ્પિટલ,ઈ .એસ.આઈ.સી -વડોદરા તેમજ જી.એમ.ઈ.આર.એસ.ગાંધીનગર, વડનગર અને હિંમતનગર ખાતે 1-1 નંગ ફેકોઇમલસિફિકેશન મશીન ફાળવવામાં આવ્યા છે.

એડવાન્સ ફેકોઇમલસિફિકેશન મશીનની મુખ્ય વિશેષતાઓ 

આ એડવાન્સ ફેકોઇમલસિફિકેશન મશીન મોતિયાના ઓપરેશન માટેનું અત્યંત આધુનિક મેડિકલ સાધન છે.જેનાથી સર્જનને અલ્ટ્રાસાઉન્ડ એનર્જી, વેક્યૂમ અને પ્રવાહીના પ્રવાહ પર સચોટ નિયંત્રણ મળે છે.જેના પરિણામે દર્દી ઝડપથી સ્વસ્થ થઈ શકે છે.આ મશીનના હેન્ડપીસમાં રહેલી અદ્યતન એલિપ્ટિકલ મૂવમેન્ટ ટેકનોલોજીની મદદથી મોતિયાના ટુકડાઓને સરળતાથી તોડીને દૂર કરી શકાય છે.જેથી સર્જનને સર્જરી દરમિયાન વધુ સરળતા અને નિયંત્રણ રહે છે.ઓપરેશન દરમિયાન આંખની અંદરના દબાણમાં થતા ફેરફારોને આ મશીન ત્વરિત ઓળખીને તેને સ્થિર રાખવામાં મદદરૂપ બને છે.

આંખની કીકીમાં સોજો તેમજ અન્ય આડ અસરો ઓછી થાય છે

CASE ટેકનોલોજી વેક્યૂમ અને પ્રવાહી પ્રવાહના ફેરફારોને નિયંત્રિત કરી,ઓપરેશન દરમિયાન આંખની અંદર અચાનક દબાણ ઘટવાના જોખમને અટકાવે છે.આ મશીનમાં પેરિસ્ટાલ્ટિક પમ્પ સિસ્ટમ આવેલું છે.જે પંપ પ્રવાહીના પ્રવાહ અને વેક્યૂમને ચોક્કસ રીતે નિયંત્રિત કરી,મોતિયાના કણોને સક્શન ટીપ વડે અસરકારક રીતે દૂર કરે છે.આ મશીનમાં યુઝર-ફ્રેન્ડલી કંટ્રોલ સિસ્ટમ આવેલું છે.સર્જન ઓપરેશનની જરૂરિયાત મુજબ ફૂટ પેડલ દ્વારા અલ્ટ્રાસાઉન્ડ એનર્જી, વેક્યૂમ અને ફ્લુઇડ ફ્લોનું સેટિંગ્સ સરળતાથી કરી શકે છે. આ મશીનનું ‘Ellips FX હેન્ડપીસ’ ઓપરેશન વખતે આંખ પર મૂકવામાં આવતા નાના કાપ પાસે વધુ પડતી ગરમી ઉત્પન્ન થવાનું જોખમ ઘટાડે છે. આનાથી ઓપરેશન પછી આંખની કીકીમાં સોજો તેમજ અન્ય આડ અસરો ઓછી થાય છે અને દર્દીને ઝડપથી રિકવરી મળે છે.

આ પણ વાંચોઃ Mehsana News: ખાદ્ય પદાર્થોના સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ આવતાં 11 વેપારીઓને રૂ.3.7 લાખનો દંડ