બિન અનામત વર્ગ શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની યોજનામાં મોટા પાયે છેતરપિંડી આચરી સરકારી નાણાંની ઉચાપત કરવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓના તાલીમ વર્ગો માટે આપવામાં આવતી સહાય યોજનામાં ગરબડ કરવા બદલ ગાંધીનગર સીઆઈડી ક્રાઈમમાં અમદાવાદના બે ઈસમો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
અંદાજે 200 જેટલા વિદ્યાર્થીઓ પાસે ફોર્મ ભરાવ્યા
આરોપી જીગ્નેશ શાહ અને પૂજન ચૌહાણ નામના બે ઈસમોએ નિગમની યોજનાની માર્ગદર્શિકાનો ખુલ્લેઆમ ભંગ કરીને આ કૌભાંડ આચર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આરોપીઓએ સુઆયોજિત કાવતરૂં ઘડીને અમદાવાદ, ખેડા અને સુરત જિલ્લાના અંદાજે 200 જેટલા વિદ્યાર્થીઓ પાસે યોજના હેઠળ સહાય મેળવવા માટેના ઓનલાઈન ફોર્મ ભરાવડાવ્યા હતા. આ વિદ્યાર્થીઓએ વાસ્તવમાં કોઈ ક્લાસીસ કે તાલીમ લીધી ન હોવા છતાં, તેમના નામે બોગસ પહોંચો અને રસીદો રજૂ કરવામાં આવી હતી.
