ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે અંતિમ દિવસ છે.આજના દિવસની સરકારી કામગીરી અંતર્ગત ગૃહમાં ત્રણ મહત્વપૂર્ણ સરકારી વિધેયકો રજૂ કરવામાં આવશે. જેમાં વેપાર અને ઉદ્યોગ સાહસિકતાને વધુ સુગમ બનાવવા માટે ગુજરાત ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ વિધેયક,ભાડા કરાર અને મકાનમાલિક-ભાડૂતના નિયમોમાં સુધારા માટે ગુજરાત ભાડા વિધેયક અને ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા તથા તેના એકત્રીકરણ માટેનું સુધારા વિધેયક સામેલ છે.આજે પ્રશ્નોત્તરીકાળ સાથે ગૃહની કામગીરી શરૂ થઈ છે. 

 ઇઝ ઓફ ડૂઈંગ બિઝનેસ વિધેયક પર કોંગ્રેસ આક્રમક

ગુજરાત ઇઝ ઓફ ડૂઈંગ બિઝનેસ વિધેયક પર આક્રમક પ્રહાર કરતા કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યું હતું કે સરકારે પહેલા રાજ્યમાં ફેલાયેલા બોગસ ડૉક્ટરોને શોધવા જોઈએ, કારણ કે આ બિલમાં બહારના ડૉક્ટરોને લાવવાની વાત છે અને કોઈ રજિસ્ટ્રેશન પણ નહીં કરવામાં આવે, તો સવાલ એ થાય કે ઉદ્યોગોને ડૉક્ટર સાથે શું લેવાદેવા છે અને બહારથી આવતો ડૉક્ટર સાચો છે કે બોગસ તેની કેવી રીતે ખબર પડશે? તેમણે શહેરી વિકાસના કાયદાને આ બિલમાં સાંકળવા સામે પણ સવાલો ઉઠાવતા કહ્યું હતું કે મહાનગરોમાં કેટલી વસ્તીને આધિન ફાયર સ્ટેશન હોવું જોઈએ તેનો જવાબ સંભવતઃ મંત્રી પાસે પણ નહીં હોય, વ્યાપક સ્તરે ફાયર સેફ્ટીના નિયમોનું પાલન થતું નથી અને ભૂતકાળમાં અમદાવાદ, સુરત તેમજ રાજકોટમાં બનેલી આગની દુર્ઘટનાઓમાં અનેક નિર્દોષ લોકોના જીવ ગયા છે.

શૈલેષ પરમારે ઉઠાવેલ મુદ્દાઓ પર સરકાર ફિક્સમાં મુકાઈ 

ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ વિધેયક પર સરકાર ફિક્સમાં મુકાઈ હતી. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે ઉઠાવેલા અલગ અલગ મુદ્દાઓ પર સરકાર ભરાઈ હતી. શૈલેષ પરમારે કહ્યું હતું કે,કયા નિયમ હેઠળ અલગ અલગ વિભાગો ભેગા કર્યા જવાબ આપો. બહાર રહેલા સિનિયર મંત્રીઓ તરત ગૃહમાં પહોંચ્યા હતાં. સરકાર વતી મંત્રી ઋુષિકેશ પટેલે કહ્યું હતું કે, કામગીરી સરળ કરવા માટે આ કાયદો છે. કોઈને અલગ અલગ મંજૂરીઓ માટે નહીં જવું પડે. અલગ અલગ કાયદામાં સુધારો ન કરવો પડે એટલે એ કલેક્ટિવ બિલ છે.જો કે કયા નિયમો હેઠળ લાવ્યા એનો જવાબ મંત્રી ન આપ્યો

રમણલાલ વોરાએ શૈલેષ પરમારના મુદ્દા પર સહમતી દર્શાવી

ઇઝ ઓફ ડૂઈંગ બિઝનેસ વિધેયક અંગે કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલોના જવાબમાં ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરાએ શૈલેષ પરમારની વાત સાથે આંશિક સહમતિ દર્શાવતા જણાવ્યું હતું કે આ બિલ અંતર્ગત અલગ અલગ કાયદાઓમાં સુધારા જ કરવાના છે.કેબિનેટની સંયુક્ત જવાબદારીના ભાગરૂપે જે તે કાયદાઓમાં સુધારા કરવામાં આવતા હોય છે અને વિધાનસભાનો કિંમતી સમય બચે તેમજ સરળતાથી સુધારા થઈ શકે તે હેતુથી આ વિધેયક પર વિગતવાર ચર્ચા થવી અનિવાર્ય છે

ગુજરાત ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ વિધેયક સામે કોંગ્રેસના સવાલો

ગુજરાત ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ વિધેયક સામે સવાલો ઉઠાવતા કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે સરકાર પાસે સ્પષ્ટતા માગી હતી કે કયા નિયમ હેઠળ આ નવું બિલ લાવવામાં આવ્યું છે અને અલગ-અલગ પાંચ અલગ વિભાગોના કાયદાઓને આમાં કેવી રીતે આવરી લેવામાં આવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે ભૂતકાળમાં જે વિધેયક પસાર થઈ ચૂક્યા છે અને જેને મંજૂરી મળી ગઈ છે તેમાં નિયમ મુજબ સુધારો લાવવાનો અધિકાર માત્ર જે તે સંબંધિત વિભાગ પાસે જ હોય છે, ત્યારે સરકાર કોઈ એક જ વિભાગ દ્વારા અન્ય વિભાગોના કાયદાઓમાં કેવી રીતે સુધારો કરી શકે?

ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ વિધેયક 2026 રજૂ

વિધાનસભામાં રાજ્યના ઉદ્યોગ મંત્રી જયરામ ગામીત દ્વારા ગુજરાત ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ વિધેયક 2026 રજૂ કરવામાં આવ્યું છે.જેનો મુખ્ય હેતુ વર્તમાન સમયમાં બિઝનેસ માટેની બિનજરૂરી પ્રક્રિયાઓ અને અલગ અલગ કાયદાઓની જટિલતાઓને દૂર કરવાનો છે જેથી એક જ કાયદા મુજબ નિયમો લાગુ પાડી શકાય. આ નવા વિધેયક હેઠળ પાંચ હયાત કાયદાઓ જેમાં ગુજરાત મેડિકલ કાઉન્સિલ એક્ટ 1967 ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ એક્ટ 2013,ગુજરાત એક્ટ 2013, ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ્સ એક્ટ 2019 અને ગુજરાત માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝીસ એક્ટ 2019નો સમાવેશ થાય છે તેમાં સુધારો કરવામાં આવશે.આના પરિણામે વિવિધ કાયદાઓને બદલે માત્ર એક જ મંજૂરી લેવાની જરૂર પડશે અને પ્રક્રિયાઓ ઘટવાથી રાજ્યમાં નવા સાહસો શરૂ કરવામાં મોટી સરળતા રહેશે.

મહત્તમ વીજળી ખેડૂતોને આપવામાં આવે એવી સૂચના

રાજ્યમાં વીજળીની ઘટ અને તેના સંબંધિત રજૂઆતો અંગે નિવેદન આપતા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો કોઈ નાની કે મોટી મુશ્કેલી હશે તો તેને ત્વરિત ઉકેલવામાં આવશે, અને આ અંગે ઉર્જા વિભાગને સ્પષ્ટ સૂચનાઓ આપી દેવામાં આવી છે કે ખેડૂતોને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય અને તેમને મહત્તમ વીજળી પૂરી પાડવામાં આવે તે સુનિશ્ચિત કરવામાં આવે.

પાકના નુકસાનનો સર્વે કરીને ખેડૂતોને ન્યાય અપાશે

સરકારના મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, રાજ્યના ખેડૂતો 99 ટકા પાક ધિરાણ નિયમિત પરત કરતા હોય છે અને જરૂર પડ્યે પુન ધિરાણ અપાય છે તેમજ પાક નુકસાન કે અછત સામે SDRFના નિયમો મુજબ જ સહાય આપવામાં આવે છે.આ સાથે સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે પાંચ જિલ્લાઓમાં વરસાદની સ્થિતિ ચિંતાજનક હોવાથી ત્યાં પીવાનું પાણી,વીજળી અને સિંચાઈ માટે નર્મદાનું પાણી અનામત રાખવા સહિતની આગોતરી વ્યવસ્થાઓ ગોઠવી દેવાઈ છે, અને ચોમાસું પૂરું થતાં જ કલેક્ટરો દ્વારા ખરીફ પાકના નુકસાનનો સર્વે કરીને ખેડૂતોને યોગ્ય ન્યાય અપાવવાની કામગીરી હાથ ધરાશે

ખેડૂતોના દેવા માફી પર સરકારનું નિવેદન

ખેડૂતોના દેવા માફી અંગે સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ગુજરાતના ખેડૂતો 99 ટકા જેટલું પાક ધિરાણ નિયમિતપણે પરત કરતા હોય છે અને ખેડૂતને જ્યારે પણ જરૂર પડે ત્યારે તેમને ફરીથી પાછું ધિરાણ પણ પૂરું પાડવામાં આવે છે, જેથી હાલ પ્રવર્તતી પરિસ્થિતિમાં સરકાર દ્વારા પાક ધિરાણ માફ કરવાના બદલે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (SDRF) ના નિયમો અને માર્ગદર્શિકા મુજબ જ પાક નુકસાની કે અછત સામે સહાય આપવામાં આવશે.

કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાનું નિવેદન

વિધાનસભા ગૃહમાં ખેડૂતોની સ્થિતિ અંગે અવાજ ઉઠાવતા કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સરકાર સમક્ષ સ્પષ્ટ સવાલ કર્યો હતો કે, જે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે તેમનું દેવું સરકાર માફ કરવા માંગે છે કે નહીં. તેમણે આક્ષેપ કર્યો હતો કે મંત્રીએ આ પ્રશ્નનો સીધો જવાબ આપવાને બદલે ખેડૂતો સમૃદ્ધ હોવાના દાવા કર્યા હતા. વિમલ ચુડાસમાએ ઉગ્ર માંગ કરી હતી કે જ્યાં પણ પાક નિષ્ફળ ગયો છે ત્યાં ખેડૂતોનું દેવું તાત્કાલિક માફ કરવામાં આવે અને રાજ્યના ઓછા વરસાદ ધરાવતા જિલ્લાઓમાં પશુપાલકો માટે વિનામૂલ્યે ઘાસચારો પૂરો પાડવામાં આવે.

ભલામણથી વરસાદ ના થાય કુદરત મહેરબાન હોય ત્યાં જ થાય

વિધાનસભા ગૃહમાં અછતની ચર્ચા દરમિયાન હળવાશ અને કટાક્ષનો માહોલ જોવા મળ્યો હતો, જ્યાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે સરકાર પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે વરસાદ પણ સરકાર જેવો છે જે ગમે ત્યાં વરસી પડે છે અને અમુક જગ્યાએ કોરું રાખે છે, તેમજ તાલુકા કક્ષાએ જ વરસાદ માપવાના સાધનો હોવાથી ગામડામાં વરસાદ ન દેખાય પણ તાલુકામાં નોંધાઈ જાય છે. આ રજૂઆત સામે હળવા મૂડમાં ટકોર કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પલટવાર કર્યો હતો કે અગાઉ કોંગ્રેસના શાસનમાં વરસાદ માપવાના સાધનો માત્ર જિલ્લા કક્ષાએ જ રહેતા હતા, જ્યારે ભાજપ સરકાર દ્વારા તેને તાલુકા કક્ષા સુધી ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, અને આ મામલે કટાક્ષ કરતા ઉમેર્યું હતું કે વરસાદ કોઈની ભલામણથી નથી પડતો પરંતુ કુદરતની મહેરબાનીથી જ વરસે છે.

કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા બીજા દિવસે પણ ગેરહાજર

વંદે માતરમ વિવાદ બાદ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા સતત બીજા દિવસે પણ વિધાનસભા ગૃહમાં ગેરહાજર રહ્યા હતા, જેમાં ગઈકાલની જેમ આજે પણ તેમની અનુપસ્થિતિ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની રહી હતી.

કોંગ્રેસે રાજ્યના ખેડૂતોના દેવા માફીની માગ કરી

રાજ્યમાં પ્રવર્તતી દુષ્કાળની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા ખેડૂતોના દેવા માફી કરવાની જોરદાર માંગ કરવામાં આવી હતી, જેના જવાબમાં મંત્રી ઋષિકેશ પટેલે વિગતવાર જવાબો રજૂ કર્યા હતા અને કોંગ્રેસનો આગ્રહ સતત દેવા માફી પર જ સરકાર સ્પષ્ટ જવાબ આપે તેવો રહ્યો હતો.આ દરમિયાન ચર્ચા રસપ્રદ બનતાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને યાદ કરતા હળવાશથી ટકોર કરી હતી કે જો નીતિનભાઈ હોત તો તેઓ કહેત કે આ સભ્યનું માત્ર સૂચન છે.

ખેડૂતોને આઠ કલાક વીજળી આપવા કોંગ્રેસની માગ

કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ વિધાનસભા ગૃહમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે, રાજ્યના સાબરકાંઠા અને અરવલ્લી સહિતના કેટલાય જિલ્લાઓમાં આજે પણ ખેડૂતોને પૂરા 8 કલાક વીજળી મળતી નથી. જેથી ખેડૂતોને પૂરતી વીજળી પૂરી પાડવામાં આવે તેવી તેમણે માંગ કરી હતી.

ચોમાસુ પૂર્ણ થયા પછી પાક નુકશાની પર તપાસ થશે

ચોમાસુ પૂર્ણ થયા બાદ પાક નુકસાન અંગેની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવશે અને જે પાકો નિષ્ફળ ગયા છે તેના સંદર્ભમાં ચોમાસા પછી જ યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેમ મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં નિવેદન આપ્યું હતું.

દુષ્કાળ જેવી સ્થિતિને પહોંચી વળવા આગોતરુ આયોજન કર્યુંઃ મંત્રી ઋષિકેશ પટેલ

આગામી 15 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેનાથી પોરબંદર, જામનગર, કચ્છ, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લાઓમાં વર્તમાન વરસાદની ઘટને કારણે રાહત મળી શકે છે અને આ વિસ્તારોમાં હળવા ઝાપટાં તેમજ વરસાદ પડવાની પૂરી સંભાવના છે. દુષ્કાળ જેવી પરિસ્થિતિ અને તેના કારણે ઊભી થતી મુશ્કેલીઓને પહોંચી વળવા માટે સરકાર દ્વારા અગાઉથી જ આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે નર્મદા ડેમમાં પીવાનું પાણી અનામત રાખીને ખેડૂતો માટે સિંચાઈ હેતુસર ૧૦ અને ૧૫ દિવસના તબક્કાવાર આયોજન મુજબ પાણી પૂરું પાડવામાં આવ્યું છે.

મંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસના સવાલનો જવાબ આપ્યો

જામનગર, દ્વારકા અને કચ્છ સહિતના પાંચ જિલ્લાઓમાં વરસાદની ઘટને લઈને વિધાનસભા ગૃહમાં નિવેદન આપતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર વૈજ્ઞાનિક અભિગમ સાથે કામ કરી રહી છે અને દુષ્કાળ જાહેર કરવા માટે વરસાદ, ભેજનું પ્રમાણ અને સર્વે એમ ત્રણ ટ્રિગરના આધારે સ્થિતિ નક્કી કરવામાં આવે છે. આ જિલ્લાઓમાં સિંચાઈ, પીવાના પાણી અને વાવેતરની સ્થિતિનો અભ્યાસ કરીને વધારાની જરૂરી વીજળી પૂરી પાડવામાં આવી રહી છે, તેમજ પશુપાલકો માટે તાત્કાલિક ઘાસચારો ઉપલબ્ધ કરાવીને ૫ પશુની મર્યાદામાં ૨ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઘાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, સાથે જ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા કલેક્ટરોને પણ જરૂરી કામગીરી કરવાની વિશેષ સત્તા આપવામાં આવી છે.

રાજ્ય સરકારે દુષ્કાળની સ્થિતિમાં શું પગલાં લીધા: કોંગ્રેસ

ગુજરાતમાં આ વર્ષે વરસાદ ખૂબ જ ઓછો પડ્યો છે. જેને કારણે દુષ્કાળજનક સ્થિતિનું સર્જન થયું છે. આ સ્થિતિને લઈને કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ નિયમ 116 હેઠળ વિધાનસભામાં દુષ્કાળનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં જિલ્લાઓમાં નહીંવત વરસાદના કારણે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક તાલુકાઓમાં વરસાદ ઓછો છે. સરકારે આ પરિસ્થિતિમાં શું પગલાં લીધા તેની માહિતી આપવામાં આવે

રાજ્યમાં રેશનકાર્ડ ધારકોની 97 ટકા ઈ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ

રાજ્યમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રેશનકાર્ડ ધારકો માટે 97 ટકા ઈ-કેવાયસીની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવી હોવાની માહિતી પુરવઠા મંત્રીએ વિધાનસભા ગૃહમાં આપી હતી.જેમાં કુલ ચાર અલગ અલગ પ્રકારે વેરિફિકેશન કરવાની સુવિધા ઉપલબ્ધ હોવાનું જણાવાયું હતું.જોકે,આ મુદ્દે ચર્ચા દરમિયાન કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ ઈ-કેવાયસીની કામગીરીમાં રહેલી ખામીઓ તરફ ધ્યાન દોરતા જણાવ્યું હતું કે,શ્રમિકોના હાથે મજૂરી કામ કરવાને કારણે આંગળા ઘસાઈ જવાથી ફિંગરપ્રિન્ટ વેરિફિકેશન થવામાં મુશ્કેલી પડે છે તેમજ આધાર અને રેશનકાર્ડમાં નામની અસંગતતા કે ભૂલ હોવાને કારણે પણ અનેક શ્રમિકોનું ઈ-કેવાયસી સહેલાઈથી થઈ શકતું નથી.આ રજૂઆતના જવાબમાં સરકારે સ્પષ્ટતા કરી હતી કે જ્યાં પણ આવી વાસ્તવિક મુશ્કેલીઓ કે જરૂરિયાત ઊભી થશે, ત્યાં સંબંધિત માહિતી આપવાથી તેનો યોગ્ય ટેકનિકલ કે વહીવટી રસ્તો કાઢવામાં આવશે.

ડેટા સેન્ટરના નિર્માણ બાદ વીજળી અને પાણીનો મોટો વપરાશ

ડેટા સેન્ટરના નિર્માણ બાદ વીજળી અને પાણીનો વપરાશ ખૂબ મોટો થવાની કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતાને સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ વ્યાજબી ગણાવી હતી.જોકે તેના જવાબમાં મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે ગુજરાતની ડેટા સેન્ટર નીતિ સમગ્ર દેશમાં એકમાત્ર એવી નીતિ છે જેમાં વીજળી અને પાણીના વપરાશની અગાઉથી જ ચોક્કસ જોગવાઈ કરવામાં આવી છે.આ નીતિ અંતર્ગત ડેટા સેન્ટરમાં 51 ટકા ગ્રીન એનર્જીનો ઉપયોગ કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે અને આ ક્ષેત્રે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે હોવાનો દાવો પણ મંત્રીએ કર્યો હતો.તેમજ રાજ્ય વીજળીની બાબતમાં સરપ્લસ હોવાનું જણાવ્યું હતું.ડેટા સેન્ટરોમાં પાણીનો વપરાશ પણ વધુ થતો હોવાથી ગુજરાતની નીતિમાં પાણીને રિસાયકલ કરીને તેનો પુનઃઉપયોગ કરવો ફરજિયાત બનાવવામાં આવ્યો હોવાનું પણ મંત્રીએ ઉમેર્યું હતું.

ડેટા સેન્ટર અંગેની પ્રશ્નોત્તરી, અર્જુન મોઢવાડિયાનું નિવેદન

સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ વિધાનસભામાં ડેટા સેન્ટર અંગેની પ્રશ્નોત્તરીમાં મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે,વિશ્વભરનો 30 ટકા ડેટા ભારત પાસે ઉપલબ્ધ છે.જો કે આપણી પોતાની સંગ્રહ ક્ષમતા હાલ માત્ર 2 ટકા જ છે.આ સ્થિતિને બદલવા અને ડેટા સંગ્રહ ક્ષમતામાં વધારો કરવા માટે સરકારે દેશમાં કુલ 7.5 ગીગાવોટની ક્ષમતા ઉભી કરવાનું મોટું લક્ષ્યાંક નિર્ધારિત કર્યું છે.મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે,રાજ્ય સરકારની અનુકૂળ નીતિઓને કારણે રોકાણકારોનો ઉત્સાહ બેવડાયો છે.જેના પરિણામે ગુજરાત પાસે અત્યારે માત્ર ડેટા સેન્ટર સ્થાપવા માટે જ 17 ગીગાવોટ ક્ષમતાની માગ સાથેની અરજીઓ પ્રાપ્ત થઈ છે.આ તમામ બાબતો રાજ્ય સરકારની પ્રોત્સાહક ઔદ્યોગિક નીતિ અને પારદર્શક વહીવટનું સીધું પરિણામ છે.



આ પણ વાંચોઃ Rajkot News:લ્યો બોલો મનપાના નગરસેવકોને મોંઘવારી નડી! પગારમાં વધારો કરવા માંગ કરી