ગુજરાત વિધાનસભાનું આગામી ચોમાસુ સત્ર આગામી 9 સપ્ટેમ્બરથી વિધિવત રીતે શરૂ થઈ રહ્યું છે. આ સત્ર કુલ 3 દિવસ સુધી ચાલશે. વિધાનસભાના આ ટૂંકા પરંતુ અત્યંત મહત્વપૂર્ણ ચોમાસુ સત્ર દરમિયાન રાજ્ય સરકાર વિવિધ ક્ષેત્રોમાં વ્યાપક સુધારા લાવવા અને નવા નિયમોના અમલીકરણ માટે વ્યાપક તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.
ઉદ્યોગ, મહેસૂલ અને શિક્ષણમાં મોટા બદલાવની તૈયારી
આ 3 દિવસીય ચોમાસુ સત્ર દરમિયાન રાજ્ય સરકાર અલગ-અલગ વિભાગોના કુલ 8 સુધારા બીલ ગૃહના ટેબલ પર મૂકશે. જેમાં રાજ્યમાં રોકાણ અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે 'ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ વિધેયક' મુખ્ય આકર્ષણ રહેશે. આ ઉપરાંત, મહેસૂલ વિભાગ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ તથા જમીન મહેસૂલમાં સમયાનુકૂળ સુધારા લાવતા બીલ રજૂ કરી કાયદાકીય રૂપ આપવામાં આવશે.
વિધાનસભા સત્રમાં રજૂ થનારા 8 મહત્વપૂર્ણ બીલની યાદી
ચોમાસુ સત્રમાં રજૂ થનારા તમામ 8 બિલનો મુખ્ય હેતુ રાજ્યના વિકાસને વેગ આપવાનો અને પ્રજાલક્ષી નીતિઓને વધુ સરળ બનાવવાનો છે. સરકાર દ્વારા રજૂ કરવામાં આવનાર બીલની વિગતવાર યાદી...
- ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ બીલ: ઉદ્યોગો સ્થાપવા અને સંચાલન માટેની પ્રક્રિયા વધુ સરળ બનાવવી.
- જમીન ટુકડા અને એકત્રીકરણ સુધારા બીલ: મહેસૂલ વિભાગ દ્વારા જમીન સંબંધિત કાયદાઓમાં રાહત આપવી.
- ગુજરાત પશુધન આહાર બીલ: પશુઓને ગુણવત્તાયુક્ત અને શુદ્ધ આહાર મળી રહે તે માટે કડક નિયમો.
- માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધારા બીલ: શિક્ષણ પ્રણાલીમાં આધુનિક અને શૈક્ષણિક સુધારા લાવવા.
- જમીન મહેસૂલ સુધારા બીલ: જમીન મહેસૂલ પદ્ધતિ અને રેકોર્ડ્સમાં સુધારા કરવા.
- ગુજરાત ભાડા બીલ: મકાન અને દુકાન ભાડા સંબંધિત કાયદાઓમાં સ્પષ્ટતા અને સુધારા.
- ગુજરાત કૃષિ યુનિવર્સિટી સુધારા બીલ: કૃષિ ક્ષેત્રે શિક્ષણ અને સંશોધનને વધુ પ્રોત્સાહન આપવું.
- ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી બીલ: પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે યુનિવર્સિટી સંબંધિત જોગવાઈઓ.
ખેડૂતો અને પશુપાલકોના હિતમાં લેવાશે મહત્વના નિર્ણયો
રાજ્ય સરકાર આ વખતે કૃષિ અને પશુપાલન ક્ષેત્ર પર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. પશુઓને ભેળસેળમુક્ત શુદ્ધ આહાર મળી રહે તે માટે લાવવામાં આવી રહેલું 'ગુજરાત પશુધન આહાર બીલ' પશુપાલકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. તેની સાથે જ રાજ્યમાં રસાયણમુક્ત ખેતીને પ્રોત્સાહન આપવા માટે 'ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી બીલ' પણ પસાર કરવામાં આવશે, જેનાથી લાખો ખેડૂતોને નવીનતમ ટેકનોલોજી અને તાલીમ મેળવવામાં મદદ મળશે.
આ પણ વાંચો: Janmashtami 2026: સંદેશ ડિજિટલને સાથે જન્માષ્ટમી ઉજવણી, જુઓ તમારા કાનુડાનો ફોટો...