ગુજરાતમાં માર્ચ મહિનામાં બજેટ સત્ર મળ્યા પછી દર વખતે સપ્ટેમ્બરમાં બેઠક મળતી હોય તેમ આજે બુધવારથી ત્રણ દિવસનું ચોમાસુ સત્ર મળી રહ્યું છે.જેમાંથી પહેલા દિવસે શોક પ્રસ્તાવ પછી પરંપરા મુજબ ગૃહનું કામકાજ મુલતવી રખાશે.બાકીના બે દિવસમાં બે નવા કાયદા અને 11 કાયદાઓમાં સુધારા માટે એમ કુલ મળીને 8 વિધેયકો ચર્ચા માટે રજૂ થશે.બહુમતીને જોરે શાસકપક્ષ જેવો સુધારો સુચવશે તેવો પસાર પણ થઈ જશે!

12 કલાક માટે ત્રણ તબક્કે વિધાનસભા મળશે

ચોમાસુ સત્રમાં અંદાજે 12 કલાક માટે ત્રણ તબક્કે વિધાનસભા મળશે.ત્રણેય દિવસ પ્રજાના પ્રશ્નો,સરકારી વ્યવસ્થાઓમાં ખામીઓ અને ગેરરીતિઓને ઉજાગર કરવા માટે ચૂંટાયેલા સભ્યોને એક એક કલાકનો પ્રશ્ન કાળ મળશે.આવા જ અધિકારનું વહન કરવા માટે ડેડિયાપાડાના MLA ચૈતર વસાવાને હાઇકોર્ટે જેલમાંથી 7 દિવસ માટે પેરોલ ઉપર બહાર જવા મંજૂરી આપી છે.અલબત્ત ત્રણ મહિનાથી જેલમાં હોવા છતાં તેમને ધારાસભ્યપદેથી બરખાસ્ત કરાયા નથી! 

કુલ આઠ જેટલા વિધેયકો ઉપર ચર્ચા થશે

આ પૂર્વે વર્ષ 2024ના ઉત્તરાર્ધમાં પણ તેમને વિધાનસભામાં પ્રજાએ આપેલા અધિકારના પાલન માટે જેલમાંથી જામીન ઉપર મુક્ત કરાયા હતા.બીજીવાર જેલમાંથી વિધાનસભામાં આવશે. પહેલા દિવસ બુધવારે વર્તમાન 15મી વિધાનસભાના સભ્ય સ્વ.યોગેશ પટેલના અવસાનના શોક પ્રસ્તાવને કારણે પ્રશ્નકાળ બાદ ગૃહનું કામકાજ મુલતવી રખાશે. ગુરુવાર અને શુક્રવાર એમ પાછળના બે દિવસમાં કુલ આઠ જેટલા વિધેયકો ઉપર ચર્ચા થશે.જેમાં ભાડા સંલગ્ન અને પશુ આહાર એમ બે વિષયો ઉપર સરકાર નવો કાયદો ઘડવા પ્રસ્તાવ રજૂ કરશે.

કોંગ્રેસે સરકારને ઘેરવા માટે રણનીતિ તૈયાર કરી

ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રની આજથી શરૂઆત થઈ રહી છે ત્યારે રાજ્યમાં ઓછા વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિને લઈને કોંગ્રેસ દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.આ રેલીના માધ્યમથી વિપક્ષે રાજ્યના પ્રભાવિત જિલ્લાઓને સત્વરે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની પ્રબળ માંગ ઉઠાવી છે અને ઓછા વરસાદના મુદ્દે સરકારને ઘેરવા માટે રણનીતિ તૈયાર કરી છે.

આ પણ વાંચોઃ નવસારીમાં માછી સમાજ દ્વારા ભવ્ય નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો