ગુજરાત વિધાનસભા સત્રનો આજે અંતિમ અને મહત્વપૂર્ણ દિવસ છે.સવારે 10 વાગ્યે ગૃહની કાર્યવાહી શરૂ થશે.દિવસની શરૂઆત પ્રથમ એક કલાકના પ્રશ્નોત્તરી કાળથી થશે.આજના આખરી સત્ર દરમિયાન રાજ્યમાં ઉદ્ભવેલી દુષ્કાળની ગંભીર સ્થિતિનો મુદ્દો વિશેષરૂપે ચર્ચાના કેન્દ્રમાં રહેશે.વિધાનસભાના નિયમ 116 અંતર્ગત તાકીદની અને અગત્યની બાબત તરીકે આ મુદ્દો ઉઠાવવામાં આવશે અને કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરી આ અંગે ગૃહનું ધ્યાન દોરશે.
બોર્ડ અને નિગમોના વાર્ષિક અહેવાલો ટેબલ પર મુકાશે
રાજ્યના જે વિસ્તારોમાં વરસાદની અછત વર્તાઈ રહી છે ત્યાં દુષ્કાળ જાહેર કરવા તેમજ આ વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધી લેવાયેલા રાહત પગલાં અને પશુપાલકો તથા ખેડૂતો માટે કરવામાં આવેલા વિવિધ કાર્યોની સત્તાવાર માહિતી સરકાર દ્વારા ગૃહમાં રજૂ કરવામાં આવશે.સત્રના અંતિમ ચરણમાં રાજ્યના અલગ-અલગ બોર્ડ અને નિગમોના વાર્ષિક અહેવાલો પણ ગૃહમાં ટેબલ કરવામાં આવશે, તેમજ આગામી દિવસોની સંસદીય પ્રક્રિયા માટે છેલ્લા દિવસનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે.
