ગુજરાત વિધાનસભામાં વંદે માતરમ્ રાષ્ટ્રીય ગીતના અપમાનનો મુદ્દો ગરમાયો છે. ગૃહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવીને કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના વર્તન સામે સખત વિરોધ નોંધાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે, વંદે માતરમ્ ના ગાન વખતે કોંગ્રેસના સભ્ય જાણી જોઈને ઊભા રહેવાના બદલે બેસી રહ્યા હતા, જે સીધેસીધું વંદે માતરમ્ નું અનાદર અને વિરોધ કરવાનું કૃત્ય છે.

દિલ્હીના દ્રશ્યો અને રાજકીય આયોજનનો આરોપ

હર્ષ સંઘવીએ ગૃહ સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, આ માત્ર કોઈ એક સભ્યના વર્તનનો પ્રશ્ન નથી, પરંતુ ઇમરાન ખેડાવાલા તો માત્ર એક મહોરું હતા. તેમણે દિલ્હીના તાજેતરના દ્રશ્યોનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સોનિયા ગાંધીના નેતૃત્વમાં સ્ટાફને ખખડાવવામાં આવે છે. સત્રના આગલા દિવસે બેઠક બોલાવીને આ પ્રકારે વિરોધ કરાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, ગુજરાત દેશની પ્રથમ એવી વિધાનસભા છે, જ્યાં આખું વંદે માતરમ્ ગાવાની શરૂઆત થઈ હતી. ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવી રાજનીતિ કરે તેનાથી યુવાનોમાં ખોટો સંદેશ જાય છે.

આયોજનપૂર્વકના પ્રયાસ અને વીડિયો ચેકિંગની માગ

હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, ઇમરાન ખેડાવાલાએ બહાર જઈને ઇન્ટરવ્યુ આપતી વખતે પણ આયોજનપૂર્વકનો પ્રયાસ કર્યો છે. આ સમગ્ર ઘટનાની સત્યતા તપાસવા માટે ઇમરાન ખેડાવાલાના વીડિયો રેકોર્ડિંગની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવે તેવી તેમણે અધ્યક્ષ સમક્ષ માગ કરી હતી.

વિશેષાધિકાર અને એથિક્સ કમિટી સમક્ષ મામલો મોકલવાની રજૂઆત

વિધાનસભા અધ્યક્ષ સામે પોતાની રજૂઆત રાખતા હર્ષ સંઘવીએ ગૃહના નિયમો અનુસાર કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી. તેમણે આ મામલાને વિશેષાધિકાર ભંગ ગણીને ઇમરાન ખેડાવાલા વિરુદ્ધની તપાસ પ્રિવિલેજ કમિટી અથવા એથિક્સ કમિટીને સોંપવા વિનંતી કરી હતી, જેથી ભવિષ્યમાં કોઈ પણ રાજકીય પક્ષ કે લોકપ્રતિનિધિ રાષ્ટ્રગાનનું અનાદર કરવાની હિંમત ન કરે અને દેશમાં એક કડક દાખલો બેસે.


આ પણ વાંચો: Gandhinagar News: બિલ્ડરનો કોઈ વાંક નથી પણ વ્યવસ્થાની ખામીને કારણે દુર્ઘટના સર્જાઈ: મંત્રી કાંતિ અમૃતિયા