ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડ સહિત સેન્ટ્રલ ગુપ્તચર સંસ્થાઓ દ્વારા હાથ ધરાયેલા એક સંયુક્ત ઓપરેશનમાં ઈરાન તથા પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે ભારતમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઘુસાડવાના નાપાક કાવતરાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.આ ઓપરેશન દરમિયાન ભારતની જળસીમામાંથી અંદાજે 526 કિલોગ્રામ પ્રતિબંધિત નશીલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે સાથે જ પાકિસ્તાનના પાંચ નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી છે.
નાઇજિરિયન વ્યક્તિએ ગુજરાતમાં મિટિંગ કરી હતી
ગુજરાત ATSના DIG સુનિલ જોશીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે,ગુજરાત ATSના PIને ચોક્કસ બાતમી મળી હતી કે,અમદાવાદ ખાતે નાઈજીરીયન શખ્સો દ્વારા ડ્રગ્સની લેવડદેવડ માટે બેઠક યોજાઈ હતી.આ કાવતરા હેઠળ આઝાદ નામની ઈરાની બોટ મારફતે અંદાજે 500 કિલોગ્રામથી વધુ મેથામ્ફેટામાઈન અને હેરોઈનનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો.આ જથ્થાને મુંબઈ,કોચી અને લક્ષદ્વીપ નજીક દરિયાઈ સીમામાં તમિલનાડુની બોટ મારફતે ભારતમાં ઉતારીને પંજાબ સુધી પહોંચાડવાનું આયોજન હતું.આંતરરાષ્ટ્રીય સ્તરના કુખ્યાત ડ્રગ સ્મગ્લર હાજી સલીમ અને અન્ય વોન્ટેડ આરોપીઓની સંડોવણીવાળા આ રેકેટમાં સ્ટારલિંક ડિવાઈસનો ઉપયોગ કરવામાં આવતો હતો.
આઝાદ બોટને કોસ્ટગાર્ડના જહાજ દ્વારા ઘેરીને ઝડપી લેવાઈ
તેમણે વધુમાં કહ્યું હતું કે,બાતમી મળ્યા બાદ ગુજરાત ATSના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એક વિશેષ ટીમ કેરળના કોચી ખાતે રવાના કરવામાં આવી હતી.જ્યાં ભારતીય કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓ સાથે સંકલન સાધીને સંયુક્ત ટીમે દરિયાઈ વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરી હતી.આ દરમિયાન લક્ષદ્વીપની પશ્ચિમે ભારતની જળસીમામાંથી શંકાસ્પદ આઝાદ બોટને કોસ્ટગાર્ડના જહાજ દ્વારા ઘેરીને ઝડપી લેવામાં આવી હતી.ત્યારબાદ આ બોટને મુંબઈ બંદરે લાવવામાં આવી હતી.આ બોટમાંથી એજન્સીઓએ કુલ 526 કિલોગ્રામ શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો છે.જેમાં 400 કિલોગ્રામ મેથામ્ફેટામાઈન અને 126 કિલોગ્રામ હેરોઈન સામેલ છે.
પાંચ પાકિસ્તાનીઓની ધરપકડ કરાઈ
આ બોટમાંથી પાકિસ્તાનના પેશાવરના રહેવાસી મોહમ્મદ યાકુબ બલુચી, શકિરુલ્લાહ, ફરિદુલ્લાહ,અહમદ ખાન અને વાહિદુલ્લાહ ખાનની ધરપકડ કરવામાં આવી છે.પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે આ બોટ ઈરાનના કોનારકથી રવાના થઈ હતી અને પાકિસ્તાનના ગ્વાદર ખાતેથી અન્ય બોટ મારફતે આ ડ્રગ્સનો જથ્થો તેને આપવામાં આવ્યો હતો.ગુજરાત ATS ખાતે આ અંગે ગુનો નોંધીને ડ્રગ્સ નેટવર્કના મુખ્ય રીસીવરો અને અન્ય કડીઓ શોધવા માટે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Gujarat News: સમાજવાદી પાર્ટીએ રાજ્યસભાની ચૂંટણીમાં પરિમલ નાથવાણીના પુત્ર ધનરાજ નાથવાણીને ઉમેદવાર બનાવ્યા









