ગુજરાત ATS દ્વારા આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.એટીએસના વર્ષ 2022ના બહુચર્ચિત કેસમાં વોન્ટેડ આરોપી સલીમ ડોલાની વિધિવત કસ્ટડી મેળવી લેવામાં આવી છે.વડોદરાના સિંધરોટ ખાતેથી ઝડપાયેલી એમડી ડ્રગ્સ ફેક્ટરીમાંથી 87.728 કિલોગ્રામ જેટલું મોટું MD ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું.જે ગેરકાયદેસર નેટવર્કનો મુખ્ય સૂત્રધાર સલીમ ડોલા હતો અને તેની સામે ઇન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ પણ ઈશ્યૂ કરવામાં આવી હતી.આ આરોપીની અટકાયત અને કસ્ટડીથી આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટના અનેક મોટા ખુલાસાઓ થવાની શક્યતા સેવાઈ રહી છે.
આરોપી સલીમ ડોલા કોણ છે?
ડ્રગ્સ તસ્કરીની દુનિયામાં કુખ્યાત નામ ધરાવતો સલીમ ડોલા સામાન્ય ગુના આચર્યા બાદ નશાના કારોબારમાં આગળ વધીને ડ્રગ માફિયા બન્યો હતો.તેના દાઉદના મહત્ત્વના સભ્ય છોટા શકીલ સાથે પણ સંબંધો હોવાનું સામે આવ્યું છે. શકીલની મદદથી સલીમ મુંબઈમાં ગાંજો સપ્લાય કરતો હતો. ત્યાર બાદ તેણે મોટા પાયે ડ્રગ્સની હેરાફેરી શરૂ કરી હતી. મુંબઈ બ્લાસ્ટ બાદ શકીલ અને સલીમ દેશ છોડીને ફરાર થઈ ગયા હતાં. સલીમ ભારતમાં ડ્રગ્સની હેરાફેરીનું નેટવર્ક સંભાળતો હતો. 2012માં તેની ધરપકડ કરી લેવાઈ હતી. ત્યાર બાદ તેને જામીન પણ મળ્યા હતાં. મુંબઈ પોલીસે 2018માં તેની ધરપકડ કરી હતી.
