ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા અને કાર્યકરો સાથે સીધો સંવાદ સાધવા માટે આજે ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય 'કમલમ' ખાતે ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં વિધાનસભા બેઠક સ્તરે યોજાનારા કાર્યક્રમો પૂર્વે પ્રદેશ કાર્યાલય પર આ સ્નેહમિલન યોજાશે, જેમાં આજે બપોરે 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી પક્ષના ટોચના નેતાઓ કાર્યકરોને રૂબરૂ મળશે.

CM ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી સહિત મંત્રીઓ રહેશે હાજર

કમલમ ખાતે યોજાનારા આ સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને ગુજરાત ભાજપના પ્રભારી તરુણ ચૂગ ખાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત રાજ્ય સરકારના મંત્રીઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહીને કાર્યકરોનું અભિવાદન ઝીલશે. ઉલ્લેખનીય છે કે, પ્રદેશ કાર્યાલયના આ કાર્યક્રમ બાદ આગામી 22 નવેમ્બરના રોજ રાજ્યની તમામ વિધાનસભા બેઠકો પર એકસાથે સ્નેહમિલન કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવશે.

યુવા મોરચાની પ્રદેશ બેઠક યોજાઈ

બીજી તરફ, ગુજરાત પ્રવાસે આવેલા પ્રદેશ પ્રભારી તરુણ ચૂગ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ કમલમ ખાતે ભારતીય જનતા યુવા મોરચાની પ્રદેશ બેઠક પણ યોજાઈ હતી. આ બેઠકમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કોંગ્રેસના નેતાઓ અને રાહુલ ગાંધી દ્વારા SIR અને અન્ય મુદ્દે યુવાનોને ગેરમાર્ગે દોરવાનો તથા ભડકાવવાનો પ્રયાસ કરી દેશની કાયદો અને વ્યવસ્થા ઠપ કરવાની કોશિશ થઈ રહી છે, જોકે દેશના યુવાનો તેમની તરફેણમાં આવી રહ્યા નથી.

દરેક વિધાનસભા, સ્કૂલ અને કોલેજોમાં SIR મુદ્દે યોજાશે 'યુવા સંવાદ'

કોંગ્રેસના આ દુષ્પ્રચારનો જવાબ આપવા માટે ભાજપ યુવા મોરચાની ટીમને મેદાને ઉતારવાનો નિર્ણય લેવાયો છે. બેઠકમાં યુવા મોરચાના કાર્યકરો અને નેતાઓને યુવાનોની વચ્ચે જઈને તેમને SIR મુદ્દે સાચી સમજણ આપવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત આગામી દિવસોમાં રાજ્યની દરેક વિધાનસભા બેઠક પર 'યુવા સંવાદ' યોજવામાં આવશે તેમજ સ્કૂલ અને કોલેજોમાં જઈને વિદ્યાર્થીઓ તથા યુવાનો સાથે સીધો સંવાદ કરીને SIR મુદ્દે જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવશે.

આ પણ વાંચો: Kutch: અજાપર નજીક ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બાઇક સવાર ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત