DEO અને DPEO પંદર દિવસ કે તેથી ઓછી રજા પર જાય ત્યારે ચાર્જ સોંપવાની સત્તા સીધી ખાતાના વડા એટલે કે નિયામકને સુપ્રત કરાઈ છે.રાજ્યના શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ,આ નવી વહીવટી વ્યવસ્થા તાત્કાલિક અસરથી લાગુ કરાઈ છે.અત્યાર સુધી એવું જોવા મળતું હતું કે વર્ગ-1ના અધિકારીઓની ટૂંકાગાળાની રજાઓની દરખાસ્તો અંતિમ સમયે મળતી હતી જેના કારણે સમયસર ચાર્જ સોંપવાના આદેશ ન થવાથી શૈક્ષણિક અને વહીવટી કામગીરી પર માઠી અસર પડતી હતી.આ વિલંબને નિવારવા માટે સરકારે સત્તાઓનું વિકેન્દ્રીકરણ કર્યું છે.
સમકક્ષ જગ્યાઓ માટે પણ આ જ નિયમ લાગુ પડશે
નક્કી કરાયેલા નિયમો અનુસાર DEO રજા પર હોય ત્યારે કમિશનર શાળાઓની કચેરી દ્વારા અને DPEOની રજા દરમિયાન પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા ચાર્જ સોંપણીના હુકમો કરાશે.સામાન્ય સંજોગોમાં આ અધિકારીઓએ રજા પર હોય ત્યારે અરસપરસ એકબીજાને હવાલો સોંપવાનો રહેશે. જો કોઈ વિશેષ પરિસ્થિતિમાં DEO અને DPEO બંને એક જ સમયે રજા પર હોય તો સંબંધિત કચેરીમાંથી જ વર્ગ-2ના વરિષ્ઠ અધિકારીને ચાર્જ સોંપવાની વ્યવસ્થા ખાતાના વડાએ કરવાની રહેશે.શિક્ષણ વિભાગ હસ્તકની અન્ય સમકક્ષ જગ્યાઓ માટે પણ આ જ નિયમ લાગુ પડશે.
