ગાંધીનગરમાં પડતર પ્રશ્નો મુદ્દે ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. લાંબા સમયથી સંગઠનના શિક્ષકો અને કારકુનોના પ્રશ્નો વણઉકેલ્યા રહેતાં ભારે અસંતોષ ફેલાયો છે. જો સરકાર દ્વારા આ તમામ માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી 25 નવેમ્બરથી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કરવાની ચીમકી આપવામાં આવી છે.
ભરતી સમિતિમાં માન્ય સંગઠનોને યોગ્ય પ્રતિનિધિત્વ નથી
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ ભરતી સમિતિની રચનાને પગલે કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિનો ગંભીર આક્ષેપ છે કે ભરતી સમિતિમાં માન્ય સંગઠનોને યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું નથી.
અન્ય માન્ય સંગઠનોના સભ્યોની અવગણના
સમિતિમાં સંગઠનમાંથી નિવૃત્ત થયેલા લોકોને તેમજ માત્ર એક જ ચોક્કસ સંગઠનને સ્થાન આપવામાં આવ્યું છે, જેના કારણે અન્ય માન્ય સંગઠનોના સભ્યોની અવગણના થઈ છે. આ અન્યાયી સ્થિતિને ધ્યાને રાખીને સંકલન સમિતિએ તાત્કાલિક અસરથી આ ભરતી સમિતિની તમામ નવી નિમણૂકો રદ કરવાની ઉગ્ર માંગણી સરકાર સમક્ષ દોહરાવી છે. વધુ એક સરકારી કર્મચારી સંગઠન મેદાને આવતાં શાસન સામે નારાજગી વકરી છે.
વિવિધ પડતર પ્રશ્નો લાંબા સમયથી પડતર
શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ અંતર્ગત એક લાખથી વધુ સભ્યો જોડાયેલા છે, જેમના વિવિધ પડતર પ્રશ્નો લાંબા સમયથી ઉકેલાયા વિનાના રહ્યા છે. ખાસ કરીને શાળાઓમાં શિક્ષકોની નવી ભરતી અને કારકુનની ભરતી સહિતના મહત્વપૂર્ણ પ્રશ્નો અંગે કર્મચારીઓ વારંવાર અવાજ ઉઠાવી રહ્યા છે. સરકાર દ્વારા આ વ્યાજબી માંગણીઓ પર કોઈ હકારાત્મક નિર્ણય ન લેવાતાં કર્મચારીઓમાં અસંતોષની લાગણી તીવ્ર બની છે.
25 નવેમ્બરથી રાજ્યવ્યાપી આંદોલન શરૂ
સંકલન સમિતિએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો સરકારી તંત્ર તેમની રજૂઆતો સ્વીકારી ઉકેલ નહીં લાવે તો 25 નવેમ્બરથી રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે. કર્મચારીઓ પોતાના હક્ક માટે કોઈપણ હદ સુધી લડત લડવા મક્કમ બન્યા છે અને તેની સંપૂર્ણ જવાબદારી શાસનની રહેશે.
આ પણ વાંચો : Crime : પરિવારના 4 સભ્યોની હત્યા કરી મોભીએ ટ્રેન સામે ઝંપલાવી આપઘાત કર્યો