ગુજરાત સરકારે રાજ્યના યુવાધન અને નેશનલ કેડેટ કોર્પ્સ (NCC) ના કેડેટ્સના સર્વાંગી વિકાસ માટે મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ તથા શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્ય મંત્રી ત્રિકમભાઈ છાંગાના માર્ગદર્શન હેઠળ શિક્ષણ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત સરકારનો NCC કેડેટ્સ માટે ઐતિહાસિક નિર્ણય

અત્યાર સુધી સ્થિતિ એ હતી કે સરકારી શાળા-કોલેજોના NCC કેડેટ્સ રાષ્ટ્રીય કક્ષાના કેમ્પ માટે પસંદ થાય ત્યારે તેમને ભારત સરકારના ધોરણો મુજબ ભથ્થાં આપવામાં આવતા હતા. પરંતુ ખાનગી સંસ્થાઓના કેડેટ્સને આવું કોઈ ભથ્થું મળતું ન હોવાથી સમગ્ર ખર્ચ કેડેટ અથવા તેની સંસ્થાએ પોતે ઉઠાવવો પડતો હતો. આ આર્થિક ભારણના કારણે રાષ્ટ્રીય કક્ષાએ દેશનું પ્રતિનિધિત્વ કરવાની ક્ષમતા ધરાવતા અનેક તેજસ્વી કેડેટ્સ આગળ વધતા અચકાતા હતા.

ગુજરાતમાં NCC કેડેટ્સ વચ્ચેનો આર્થિક ભેદભાવ નાબૂદ

સરકારના ધ્યાન પર આ વિષય આવતાં જ શિક્ષણ વિભાગે ખાસ ઠરાવ કરીને આ આર્થિક અસમાનતા દૂર કરી છે. હવે ખાનગી સંસ્થાના કેડેટ્સ જ્યારે Republic Day Contingent (RDC), Thal Sainik Camp (TSC), Youth Exchange Programme (YEP), Vayu Sainik Camp (VSC), Naval Sainik Camp (NSC) અને National Level Event (NLE) જેવા આકરા ૪ થી ૫ તબક્કાની સ્પર્ધાત્મક પસંદગી પ્રક્રિયા પાર કરીને રાષ્ટ્રીય કેમ્પમાં પહોંચશે, ત્યારે તેમને સરકારી ધોરણે જ ભથ્થું અપાશે.

100 ટકા ખર્ચ ભોગવશે રાજ્ય સરકાર

આ માટે થનારા તમામ ખર્ચનો 100 ટકા હિસ્સો રાજ્ય સરકાર ભોગવશે. ભારત સરકાર દ્વારા વખતોવખત નક્કી કરાતા દરો મુજબ ભથ્થાની ચુકવણી થશે.કેડેટ્સને મેસિંગ (ખોરાક), ટ્રાવેલિંગ (મુસાફરી), જનરેશન, ઇન્સિડેન્ટલ અને POL ચાર્જિસ જેવા વિવિધ ખર્ચમાં સીધી આર્થિક રાહત મળશે.હવે કેડેટ સરકારી સંસ્થાનો છે કે ખાનગી સંસ્થાનો, તેની રાષ્ટ્રીય કક્ષાની પસંદગીનો આધાર તેની આર્થિક ક્ષમતા નહીં પરંતુ તેની મહેનત, શિસ્ત અને પ્રતિભા બનશે.

આ પણ વાંચો:Rajkot News : ફરાળના નામે ધાર્મિક આસ્થા સાથે ખિલવાડ, ‘જૈન સ્વિટ્સ’માંથી મળી આવી મકાઈના લોટવાળી પેટીસ